(એજન્સી) આગરા, તા. ૨૪
ભારતના બે દિવસના પ્રવાસે પરિવાર સાથે આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ દિવસે અમદાવાદથી રવાના થયા પછી તાજમહલ નિહાળવા માટે આગરા પહોંચ્યા હતા. મોગલ બાદશાહ શાહજહાં દ્વારા તેમનાં પત્ની મુમતાઝ મહલ માટે બનાવવામાં આવેલા તાજમહલ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના પ્રથમ મહિલા તેમજ તેમનાં પત્ની મેલાનિયાએ હાથમાં હાથ નાખીને નિહાળ્યો હતો. તાજમહલમાં ટ્રમ્પ અને મેલાનિયા એકબીજાના હાથમાં હાથ નાખીને ફર્યા હતા.અમેરિકાના પ્રથમ દંપતી આરસપહાણથી બનેલા તાજમહલ નિહાળીને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તાજમહલ નિહાળતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ આશ્ચર્યચકિત રીતે પ્રેરણા આપે છે. ટ્રમ્પ અને તેમના પરિવાર માટે આખો તાજમહલ ખાલી કરી દેવામાં આવ્યો હતો. ટ્રમ્પ-મેલાનિયા અને તેમનો પરિવાર જ્યારે તાજમહલમાં પહોંચ્યા ત્યારે તાજમહલનો સ્ટાફ પણ ત્યાં ન હતો. તાજમહલ સંકુલમાં પ્રવેશ કર્યા બાદ તરતજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિઝિટર્સ બુકમાં લખ્યું ‘થેંક્યું ઇન્ડિયા’.
તાજમહલની સુંદરતાથી અભિભૂત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભ્રમણ કરવાની સાથે વિઝિટર બુકમાં લખ્યું કે, આ ભારતની શાનદાર અને વિવિધતાપૂર્ણ સંસ્કૃતિનો અમિટ પુરાવો છે. તાજમહલ પ્રેરણા આપે છે.