(એજન્સી) તા.૧૪
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે જેસીપીઓએ કરાર મામલે પીછેહઠ કરી નિર્ણય હવે અમેરિકી કોંગ્રેસને માથે નાખી દીધો છે ત્યારે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન કરાર હેઠળના અન્ય સભ્ય દેશો ઇરાનની પડખે આવી ગયા છે જેથી અમેરિકાને મોટો આંચકો લાગ્યો છે. યુરોપિયન યુનિયન, રશિયા અને ચીને કહ્યું કે અમેરિકાએ ઇરાન સાથે કરાર મામલે તેની પ્રતિબદ્ધતા દર્શાવવી જોઇએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે અમને વિશ્વાસ છે કે આ આંતરરાષ્ટ્રીય કરાર પરમાણુ પ્રવૃત્તિઓને મર્યાદિત રાખવા અને ક્ષેત્રીય શાંતિ તથા સ્થિરતા જાળવી રાખવા મહત્વપૂર્ણ છે.
અમને આશા છે કે આ કરાર સાથે સંકળાયેલા તમામ પક્ષો આ કરારનું પાલન કરશે અને કરારને અમલમાં જાળવી રાખશે. જ્યારે બીજી બાજુ યુરોપિયન યુનિયનના વિદેશનીતિના પ્રભારી ફેડ્રિકા મોગ્રીનીએ કહ્યું કે આ કરારમાંથી અમેરિકા બહાર ખસી જશે તો અમે જણાવી દઇએ કે ઇરાન સાથેના કરારનો અંત લાવવાની સ્થિતિમાં અમેરિકા પરનો વિશ્વ સમુદાયનો વિશ્વાસ સમાપ્ત થઇ જશે. તેમણે કહ્યું કે જેસીપીઓએ કરાર સારી રીતે કામ કરી રહ્યું છે, પરિણામો મળી રહ્યાં છે તો તેને સમાપ્ત કરવાનો પ્રયાસ અયોગ્ય નથી. એટલા માટે પણ કે તમે પણ બીજાને માર્ગ બતાવશો કે કરાર કરવાનો કોઇ લાભ નથી અને તેનાથી બાકીની દુનિયાને સંદેશ જશે કે અમેરિકા વિશ્વાસને લાયક નથી. મોગ્રેને જર્મનીના વિદેશમંત્રી સિગમાર ગેબ્રાઇલ સાથે આ મામલે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી અને તેમાં ઇરાનના વિદેશમંત્રી જાવેદ જરીફને પણ સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં ત્રણે પક્ષો આ કરારનું પાલન કરવા સહમત થયા હતા. જર્મની અને ઇયુએ કહ્યું કે ઇરાન આ કરારનું સારી રીતે પાલન કરી રહ્યું છે. તેમાં કોઇ શંકા નથી. બીજી બાજુ રશિયાએ પણ ઇરાનને ટેકો આપી દીધો છે. રશિયાએ કહ્યું કે તેહરાન આ કરારનું પાલન કરે છે એવામાં અમે આ કરારમાંથી પીછેહઠ ના કરી શકીએ. રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવે કહ્યું કે ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર જેસીપીઓએમાં સામેલ તમામ પક્ષોનું સન્માન કરવું જોઇએ. સર્ગેઈ લાવરોવે અમેરિકાના તેમના સમકક્ષ રેક્સ ટિલરસન સાથે પણ આ મામલે ટેલિફોનિક વાતચીત કરી છે. જેમાં બંને પક્ષોએ પરમાણુ કરાર સંબંધિત વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. લાવરોવે કહ્યું કે મને એ સમજાતું નથી કે અમેરિકા કાયદાકીય રીતે આ કરારથી કેવી રીતે અલગ થશે.