(એજન્સી) તા.૨૩
ઈરાનના રાષ્ટ્રપતિ રૂહાનીએ કહ્યું કે અમેરિકાને એ વાત સમજાઈ જવી જોઇએ કે ઈરાન સાથે શાંતિ તમામ શાંતિના સ્ત્રોત અને ઈરાન સાથે યુદ્ધ તમામ યુદ્ધની માતા હશે. તેમણે રવિવારે રાજધાની તહેરાનમાં દુનિયાભરથી આવેલા દેશના કૂટનીતિક મિશનના પ્રમુખો સાથેની બેઠકમાં આ ટિપ્પણી કરી હતી. રાષ્ટ્રપતિ ડોક્ટર હસન રૂહાનીએ કહ્યું હતું કે અમેરિકીઓએ એ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે ઈરાન સાથે શાંતિ તમામ શાંતિઓનું સ્ત્રોત બની રહેશે. જોકે ઈરાન સાથેનું યુદ્ધ તમામ યુદ્ધોની માતા સમાન એટલે કે જનક બનશે. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાકાળમાં અમેરિકાએ ઈરાનના સંબંધમાં વધારે શત્રુતાપૂર્ણ વલણ અપનાવ્યું છે. ૮ મેના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે એકપક્ષીય રીતે જેસીપીઓએ કરારમાંથી અમેરિકાને અલગ કરી લીધું હતું. આ એક ઐતિહાસિક પરમાણુ કરાર હતો જેમાં અમેરિકા સહિત ઈરાન, બ્રિટન, ફ્રાન્સ, ચીન, રશિયા, યુરોપિયન યુનિયન પણ સામેલ હતા. જોકે અમેરિકાની આ જાહેરાતની ચીન, રશિયા તથા યુરોપિયન દેશોએ પણ આકરી ટીકા કરી હતી. જોકે આ કરારમાંથી ખસી ગયા બાદ અમેરિકાએ ન ફક્ત ઈરાન વિરુદ્ધ પ્રતિબંધો લાદી દીધા સાથે જ ત્રીજા દેશો પર કથિત માધ્યમિક પ્રતિબંધો પણ લાદ્યા. તેમાંથી કેટલાક પ્રતિબંધો ૬ ઓગસ્ટથી અમલી બનશે. જોકે બીજા પ્રતિબંધો ૪ નવેમ્બરે અમલી બનશે. જોકે ઈરાની ડિપ્લોમેટ્‌સને સંબોધતાં રાષ્ટ્રપતિ રૂહાનીએ કહ્યું હતું કે મિ. ટ્રમ્પ, તમે સિંહની પૂંછડી સાથે રમવાનું બંધ કરી દો. તેનું તમને દુઃખ જ થશે. તેમણે કહ્યું કે ઈરાન સાથે શાંતિ એટલે કે દુનિયામાં તમામ શાંતિની માતા અને ઈરાન સાથે યુદ્ધ એટલે કે દુનિયામાં તમામ યુદ્ધની માતા. તેમણે કહ્યું કે અમેરિકાએ ઈરાનમાં અસ્થિરતા ફેલાવવાના પ્રયાસોને પડતા મૂકી દેવા જોઇએ. જોકે અમેરિકી અધિકારીઓ આ મામલે કહે છે કે ટ્રમ્પના આક્રમક ભાષણ અને નિવેદન ઈરાન પર દબાણ કરવા માટે છે કે જેથી કરીને તે તેની પરમાણુ પ્રવૃત્તિઓને મર્યાદિત કરી દે અને આતંકી સંગઠનોને ટેકો આપવાનું બંધ કરેે.