(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૧
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા-મેક્સિકો સીમા પર સ્થળાંતરિત પરિવારોને બાળકોથી અલગ કરવાની કાર્યવાહી પર રોક મૂક્તા આદેશ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના બાળકોને અલગ કેદ કરાયા હોવાની તસવીરો સામે આવતા વિશ્વભરમાં ટ્રમ્પની આ નીતિનો વિરોધ થઈ રહ્યો હતો. છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં ર,પ૦૦ બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરવામાં આવ્યા હતા. શાસકીય આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ ટ્રમ્પે વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં કહ્યું કે, “અમે પરિવારને સાથે રાખીશું અને તેનાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવશે સાથે જ અમે સરહદ પર સુરક્ષા મુદ્દે કડકાઈ વર્તીશું. અમે એ લોકોને સહન નહીં કરીએ જે દેશમાં ગેરકાયદે પ્રવેશ કરે છે.” આ આદેશમાં આંતરિક સુરક્ષા વિભાગને પરિવારોને ત્યાં સુધી સાથે રાખવા જણાવવામાં આવ્યું છે. જ્યાં સુધી તેમના પર ગેરકાયદે દેશાંતરનો કેસ પૂરો ન થઈ જાય. ટ્રમ્પે કહ્યું કે, “અમે સરહદ પર કડક સુરક્ષા યથાવત્‌ રાખીશું પરંતુ પરિવારોને સાથે રાખીશું આ એક એવી સમસ્યા છે જે અનેક વર્ષોથી છે.” ડેમોક્રેટિક નેતા નૈન્સી પેલોસીએ કહ્યું કે, “રાષ્ટ્રપતિનો આદેશ બાળ શોષણને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન કરવાનું કામ કરશે. ભયભીત બાળકોને સંરક્ષણ આપવાના બદલે રાષ્ટ્રપતિને પોતાના એટોર્ની જનરલને નિર્દેશ આપ્યો કે પરિવારોને જેલ જેવી સ્થિતિમાં લાંબા સમય સુધી કેદ કરવાનો રસ્તો શોધે.” વરિષ્ઠ ડેમોક્રેટિક નેતા જો ક્રોઅલીએ કહ્યું કે, આ આદેશ બાળકોને તેમના કુંટુંબીજનોથી અલગ થતાં રોકે છે પરંતુ તે પ્રશાસનની એ ક્રૂર નીતિનો અંત નથી આણતો જેમાં શરણાર્થીઓ અને હિંસાના કારણે નહીં આવનારા લોકોને વિના કોઈ કારણે અટકાયતમાં લેવામાં આવે છે.