(એજન્સી) ઈસ્લામાબાદ,તા.ર૪
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સખત ચેતવણી બાદ આતંકવાદને આશ્રય આપનાર પાકિસ્તાન રોષે ભરાયેલું છે. અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકાને વધારવાની અમેરિકી નીતિ અને આતંકવાદને લઈને ટ્રમ્પની ચેતવણી બાદ વળતો પ્રહાર કરતાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ચેરમેન ઈમરાનખાને કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને દ.એશિયા ક્ષેત્રની કોઈ સમજ જ નથી. ટ્રમ્પ ભારતને અફઘાનિસ્તાનનું કેરટેકર બનાવવાની કોશિશ કરી રહ્યું છે, જ્યારે હકીકત એ છે કે ભારતની સાથે અફઘાનિસ્તાનની એક પણ સરહદ નથી.
પાકિસ્તાની વિપક્ષી પાર્ટીના નેતા ઈમરાનખાને કહ્યું કે ટ્રમ્પ પાકિસ્તાનની વિરુદ્ધ ભારતની ભાષા બોલી રહ્યા છે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાનખાને કહ્યું કે અફઘાન યુદ્ધમાં ભારતને કોઈ નુકસાન વેઠવું પડ્યું નથી, પરંતુ ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા વધારવાની વાત કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં નાટોની નિષ્ફળતા છુપાવવા માટે અમેરિકા પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે. અમેરિકા જેટલા પૈસા આપે છે, તેનાથી વધુ પાકિસ્તાન ગુમાવી દે છે. જો કે, આ કેસમાં પાકિસ્તાન સરકાર તરફથી કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ખાને કહ્યું કે ભારત કાશ્મીરમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી શકતો નથી. દ.એશિયાની નીતિ હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની સાથે સંબંધો મજબૂત કરવાની સાથે સાથે અફઘાનિસ્તાનને વધુ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. સોમવારે ટ્રમ્પે પાકિસ્તાનને સખત સંદેશ આપતાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાન આતંકવાદની વિરુદ્ધ લડવા પોતાની પ્રતિબદ્ધતાને દર્શાવે.