(એજન્સી) તા.૨૦
ઇમિગ્રન્ટ્‌સ પાસેથી તેમના બાળકો છિનવી લેવાની નીતિ પર ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની કડક આલોચના વચ્ચે માતા પિતા અને વાલીઓથી દૂર અટકાયત કેન્દ્રમાં બંધ બાળકોના રડવાનો ઓડિયો વાઇરલ થયો છે. આ વિષય પર તેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે. ઓડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે એક બાળક સ્પેનિશ ભાષામાં ‘પાપા, પાપા’ની ચીસો પાડી રહ્યું છે. આ ઓડિયો સૌપહેલા એનજીઓ પ્રો-પબ્લિકા પાસે આવ્યો હતો અને પાછળથી એપીને મળ્યો હતો. માનવ અધિકાર પ્રવક્તા જેનિફર હાર્બરીનું કહેવું છે કે તેમને આ ઓડિયો ટેપ વ્હિસલ બ્લોવર દ્વારા મળી હતી. તેમણે પ્રો-પબ્લિકાને જણાવ્યું હતું કે ૧૦ સપ્તાહમાં આ ઓડિયો રેકર્ડ કરવામાં આવ્યો હતો. તેનું રેકોર્ડિંગ ક્યાં થયું હતું તેની જાણકારી તેણે આપી ન હતી. એક આન્ટિએ જણાવ્યું હતું કે મારા જીવનની આ સૌથી દર્દનાક ક્ષણ હતી. છ વર્ષની માસૂમ ભત્રીજી મારા માટે રડતી હતી. તે મને કહેતી હતી કે હું હવે સારી રીતે વર્તીશ પરંતુ મને અહીથી બહાર કાઢો. હું અહી એકલી પડી ગઇ છું. ૮ મિનિટના આ રેકોર્ડિંગે સમગ્ર રાષ્ટ્રને હચમચાવી મૂક્યું છે. આંતરીક સુરક્ષા સચિવ કે નિલ્સનનું કહેવું છે કે તેમણે ઓડિયો ક્લિપ સાંભળી નથી અને સરકાર અટકાયત કરવામાં આવેલ બાળકો સાથે માનવીય વ્યવહાર કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અટકાયત કેન્દ્રો માટે સરકારના માપદંડો ઘણા ઉદાત છે અને બાળકોનું સારુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો કે તેમનું કહેવું છે કે સંસદે કાનૂની ખામીઓને દૂર કરવી જોઇએ જેથી બાળકો તેમના પરિવાર સાથે રહી શકે. બાળકનો આક્રંદ કરતી આ હૃદયદ્રાવક ઓડિયો ક્લિપ એવા સમયે બહાર આવી છે જ્યારે નેતા અને વકીલ મોટી સંખ્યામાં અમેરિકા-મેક્સિકો સરહદે અમેરિકન અટકાયત કેન્દ્રનો પ્રવાસ કરીને ડોનાલ્ડ પ્રશાસન પર દબાણ લાવી રહ્યા છે. આ ઓડિયો રેકોર્ડિંગ બહાર આવ્યું તે પહેલા ટ્રમ્પે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે અમેરિકા હિજરતીઓની શિબિર બની શકે નહીં, તે શરણાર્થીઓની પણ શિબિર બનશે નહીં.