(એજન્સી) વોશિંગ્ટન, તા. ૨૪
કાશ્મીર મુદ્દા અંગે મધ્યસ્થતા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વિનંતી કરી હોવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવા અંગે સર્જાયેલો વિવાદ શાંત થવાના કોઇ સંકેત જણાતા નથી. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સહાયક દ્વારા કરવામાં આવેલું નિવેદન ભારત સરકાર માટે વધુ ભીંસમાં મુકાવાનું કારણ બની ગયું છે. અમેરિકાની રાષ્ટ્રીય આર્થિક પરિષદના ડિરેક્ટર લેરી કુડલોને એવું પૂછવામાં આવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કાશ્મીર મુદ્દા અંગે મધ્યસ્થતા કરવા અંગે ટ્રમ્પની વાત થઇ હોવાના તેમના દાવાને ભારત સરકાર દ્વારા દ્રઢરીતે રદિયો આપવામાં આવ્યો હોવાથી શું ટ્રમ્પે જે કહ્યું છે તે સાચું છે કે કેમ ? લેરીએ ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ કરતા પત્રકારોના આ પ્રશ્નને અત્યંત અણધડ અને અસંસ્કારી ગણાવ્યો હતો અને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપજાવી કાઢેલી વાતો કરતા નથી. તેમણે એવું પણ કહ્યું કે રાષ્ટ્રપતિ પોતાની તરફથી ક્યારેય પણ વાતો ઉપજાવી કાઢતા નથી. લેરીએ પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા આ પ્રશ્નને ખોટો પ્રશ્ન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે હું આ મામલાથી દૂર રહીશ. આ પ્રશ્ન મારા કાર્યક્ષેત્રની બહારનો છે. આ પ્રશ્નનો જવાબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન, વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે આપી શકે છે.