(એજન્સી) તા.૭
ધી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન(ઓઆઇસી) આગામી ૧૩ ડિસેમ્બરે તુર્કી ખાતે બેઠક યોજવા જઇ રહી છે. જોકે આ તાત્કાલિક બોલાવાયેલી બેઠકનો ઉદ્દેશ્ય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરાયેલા નિર્ણયનો જડબાતોડ જવાબ આપવાનો છે. નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસલેમને ઇઝરાયેલના પાટનગર તરીકે મંજૂરી આપી દીધી છે. તુર્કીના રાષ્ટ્રપતિના પ્રવક્તા ઇબ્રાહીમ કાલિને કહ્યું હતું કે ઇસ્તંબુલ ખાતે ૧૩ ડિસેમ્બરે ઓઆઇસીની સમિટ યોજાશે. તેમણે કહ્યું કે જેરૂસલેમનો મુદ્દો ઇસ્લામિક દેશો માટે ખરેખર તો સંવેદનશીલ મુદ્દો છે અને તેના પર ચર્ચા કરવા માટે જ ઇસ્લામિક દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં ટ્રમ્પના નિર્ણય સામે પગલાં ભરવા અને જડબાતોડ જવાબ આપવા અંગે યોજના બનાવાશે અને નિર્ણય લેવાશે. તાજેતરમાં તુર્કી ઓઆઇસી દેશોનો ચેરમેન છે. પ્રવક્તાએ કહ્યું હતું કે અલ કુદ્‌સને ઇઝરાયેલના પાટનગર તરીકે જાહેર કરીને અમેરિકાએ મોટી ભૂલ કરી દીધી છે. તેણે આંતરરાષ્ટ્રીય કરારનો ભંગ કર્યો છે. જેરૂસલેમ અમારું સન્માન છે, જેરૂસલેમન એક સામાન્ય કારણ છે અને જેરૂસલેમ એક રેડ લાઈન પણ છે. તેમણે કહ્યું હતું કે અમેરિકાએ તેનો નિર્ણય પાછો ખેંચી લેવો જોઇએ અને તાત્કાલિક ધોરણે પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઇએ. તદઉપરાંત તુર્કીના ઉપવડાપ્રધાન બેકરી બોઝદાગે કહ્યું કે ટ્રમ્પના નિર્ણયને કારણે સંભવિત રીતે મધ્યપૂર્વના દેશોમાં ભડકો થશે અને એક મોટી હોનારત સર્જાશે. બોઝદાગે તેમની આ ટિપ્પણી ટિ્‌વટર પર કરી હતી. તેમણે કહ્યું હતું કે મધ્યસ્થી તરીકે ભયંકર અસહિષ્ણુતા દાખવવામાં આવી રહી છે. તેનાથી શાંતિપ્રક્રિયા સંપૂર્ણપણે વેરવિખેર થઈ જશે.