અમદાવાદ,તા.૧૯
એક તરફ ગુજરાતનો વિકાસ થયો હોવાના દાવા વિશ્વભરમાં કરાઈ રહ્યા છે પરંતુ અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી હજુ પણ ચાલી રહી છે. ત્યારે મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન માટે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે. ત્યારે તેમના રૂટ ઉપર મેટ્રો રેલની કામગીરી દેખાય નહીં તે માટે રૂટમાં અચાનક ફેરફાર કરાયો છે. એટલે હવે ભાટગામ થઈને મોટેરા આસારામ આશ્રમ થઈને ટ્રમ્પને સ્ટેડિયમમાં લઈ જવાશે. પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેના કારણે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે ટ્રમ્પના રૂટ પર આંતરરાષ્ટ્રીય મીડિયા કવરેજ પણ થવાનું હોવાનાં કારણે ક્યાંય ખરાબ ન દેખાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તેથી જ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનાં રૂટમાં રાતોરાત ફેરફાર કરવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમથી મોટેરા ગામ સુધીનાં રોડ પર હાલમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેથી આ ખુલ્લા પિલ્લર સહિતની વસ્તુઓ ન દેખાય કાફલાને એ માટે રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ગેટનંબર ૨નાં બદલે સમગ્ર કાફલો મોટેરા સ્ટેડિયમમાં જવા માટે આશારામ આશ્રમ નજીક થઇને સોસાયટીનાં અંદરના રોડમાં થઇને પસાર થશે. આ રૂટ નક્કી થતાની સાથે રાતો રાત સોસાયટીમાં નવો રોડ બનાવી દેવામાં આવ્યો છે. ટ્રમ્પ અને મોદીનો કાફલો ભાટ-કોટેશ્વર થઇને મોટેરા ગામમાં આવેલા ભગીરથ ટેનામેન્ટ નામની સોસાયટી ખાતેથી વળી જશે. શાંતિ એન્કલેવ સોસાયટી પાસેથી આશારામ આશ્રમ ખાતેનાં શોર્ટકર્ટ પરથી સીધા જ સ્ટેડિયમનાં ક્લબ હાઉસ પાસે નવા ઉભા કરાયેલા ગેટમાંથી પ્રવેશી જશે.