(એજન્સી) ઓસાકા, તા. ૨૭
જાપાનમાં આયોજિત જી-૨૦ શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ધમકીભર્યા સૂરમાં ટેક્ષ વધારો ઓછો કરવાનું કહ્યું છે. ટ્રમ્પે ગુરૂવારે ભારત દ્વારા અમેરિકી ઉત્પાદનો પર ટેક્ષને અસ્વીકાર્ય ગણાવ્યું હતું એ તેને પરત લેવાની માગ કરી હતી. જાપાનના ઓસાકા શહેરમાં પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થશે. ટ્રમ્પે પોતાના ટિ્‌વટમાં જણાવ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એવા મુદ્દાઓ અંગે મળવા માટે ઉત્સાહિત છું જે અનુસાર અમેરિકા પર ઘણા વર્ષોથી ઘણો વધારે ટેક્ષ લગાવાયો છે અને તાજેતરમાં જ ટેક્ષમાં વધુ વધારો કરાયો છે. આ અસ્વીકાર્ય છે અને તેને ઓછો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, ઓસાકામાં યોજાનારી જી-૨૦ શિખર બેઠકમાં સામેલ થવા પીએમ મોદી જાપાન પહોંચી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ બુધવારે અમેરિકાથી રવાના થયા હતા. પીએમ મોદી અહીં ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વિશ્વ બેંકના અનેક અધિકારીઓ સાથે મુલાકાત કરશે. જાપાનના ઓસાકામાં આ સંમેલન ૨૮-૨૯ જુને આયોજિત કરવામાં આવ્યું છે. જાપાન પહોંચ્યા બાદ પીએમ મોદીએ વડાપ્રધાન શિન્જો આબે સાથે મુલાકાત કરી હતી. તેમણે આ દરમિયાન જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઓક્ટોબરમાં સમ્રાટ નારૂહિતોના રાજ્યાભિષેક સમારોહમાં ભાગ લેશે. સાથે જ તેમણે જી-૨૦ના અધ્યક્ષ તરીકે જાપાનના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી.