શાળામાં મળતી રિસેસની દરેક વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. શાળામાં રિસેસ પડતાંની સાથે જ જાણે કેટલાય દિવસોથી તરસ્યા ના હોય, તેમ દરેક વિદ્યાર્થીઓ સૌથી પહેલાં દોડીને પાણીની પરબ પાસે પહોંચી જતા હોય છે અને પરબ પરના એ નળમાંથી વહેતાં પાણીને પોતાના ખોબામાં ભરીને, ઘૂંટડે-ઘૂંટડે તેને પીવાનો આનંદ માણતા હોય છે. આ દરમ્યાન શાળાની પરબનું એ પાણી જાણે દરેક માટે ખોબામાં છલકાતાં અમૃત સમાન બની જાય છે. ભારતમાં આજે પણ લોકો જાહેર સ્થળો પર આવેલી પાણીની પરબના નળમાંથી વહેતાં પાણીને ખોબે ખોબે પીવા માટે ટેવાયેલા છે. પશ્ચિમી દેશોના નાગરિકોને આ અજુગતું કે કૌતુકભર્યું લાગે પણ આપણા માટે આ આશ્ચર્યની બાબત જરાય નથી. જો કે કેટલાક પ્રાણીઓ પણ નળ અને બોટલ દ્વારા પાણી પીવામાં મનુષ્યોથી પાછળ રહેવા માંગતા નથી.
પ્રથમ તસવીરમાં એક ભારતીય બાળક નળમાંથી વહેતાં પાણીને ખોબે-ખોબે પીને પોતાની તરસ છિપાવતો નજરે પડે છે.
દ્વિતીય તસવીર ચીનના હેનન પ્રાંતના ઝેંગઝોઉમાં આવેલા એક પ્રાણી સંગ્રહાલયની છે. જેમાં ગરમીના દિવસોમાં આફ્રિકન વાંદારાનું એક બચ્ચું નળમાંથી પાણી પીતું નજરે પડે છે.