નવી દિલ્હી, તા.ર૬
હવે ટૂંક સમયમાં એરપોર્ટ પર મુસાફરોને પોતાના ઓળખકાર્ડ રજૂ કરવામાંથી મુક્તિ મળશે. કેમ કે ઉડ્ડયન મંત્રાલયે હાથ ધરેલી યોજના હેઠળ એરલાઈન્સ અને વિમાની મથકોને આધારકાર્ડ તેમજ પાસપોર્ટ નંબર સાથે જોડવામાં આવશે.
હાલ હવાઈ મુસાફરી કરતા પ્રવાસીઓને ટિકિટ સાથે પોતાના માન્ય ઓળખકાર્ડ રજૂ કરવા પડે છે. ભારતીય ઉડ્ડયન મંત્રાલય આ યોજનાની તૈયારીના આખરી તબક્કામાં છે. આધારકાર્ડ આધારિત ઈ-બોર્ડિંગ ચેકિંગ મુસાફરો માટે પણ સરળ બનશે તેમજ એરપોર્ટ પર આ યોજના દ્વારા સુરક્ષા પણ વધુ કડક બનાવાશે. આ યોજના બાદ કામગીરી પેપરલેસ બનશે. હાલ એમસ્ટર્ડમ, બ્રિસ્બેન અને દોહાના હમાદ એરપોર્ટ ખાતે આવી સેવા જારી છે. હાલ પ્રવાસીઓને પોતાની પ્રિન્ટેડ અથવા મોબાઈલ એર ટિકિટ બતાવવી પડે છે અને આ સાથે સરકાર માન્ય ઓળખકાર્ડ રજૂ કરવું પડે છે.
આઈટી ક્ષેત્રની અગ્રણી પિપ્રો કંપની ભારતના તમામ વિમાની મથકો પર આધાર આધારિત ચેકિંગ માટે બ્લ્યુ પ્રિન્ટ વિકસાવી રહી છે. ઉડ્ડયન સચિવ આર.એન.ચૌબેએ જણાવ્યું હતું કે, બોર્ડિંગ ટર્મિનલમાં પ્રવેશ માટે પોતાની ઓળખ જણાવવા બાયોમેટ્રીક એન્ટ્રીનો ઉપયોગ કરી શકશે. મુસાફરોને પોતાના ઓળખકાર્ડ રજૂ કરવાની આવશ્યકતા નહીં રહે. ઉપરાંત મુસાફોને ફ્લાઈટ ટિકિટ કે ઈ-ટિકિટ દર્શાવવાની પણ જરૂર નહીં રહે. આધાર આધારિત ડેટાબેઝ પરથી જ એરલાઈન્સોને મુસાફરોની બુકિંગનો ખ્યાલ આવી જશે. જો કે આંતરરાષ્ટ્રીય મુસાફરી સમયે પાસપોર્ટ અનિવાર્ય છે. એરપોર્ટ ખાતે આ માટે ખાસ યુનિટ પણ ઊભા કરાશે. હૈદરાબાદ અને બેંગ્લોરના એરપોર્ટએ આ ક્ષેત્રે ઘણી મોટી ભૂમિકા ભજવી છે. વડોદરા અને વિજયવાડાના વિમાની મથકોને પણ સામેલ કરાશે એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ બેંગ્લોર અને મુંબઈ વચ્ચેની એક ફ્લાઈટમાં આ વ્યવસ્થા શરૂ કરાઈ છે. કેમ્પેગૌડા ઈન્ટરનેશલ એરપોર્ટ બેંગ્લોર ખાતે પ્રાયોગિક ધોરણે આ કામગીરી હાથ ધરાઈ છે.