(એજન્સી) કોલકાતા, તા. ૨૭
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને જણાવ્યું કે નરેન્દ્ર મોદીના શાસન હેઠળ દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિ ‘સુપર ઇમરજન્સી’ની છે. સુપર ઇમરજન્સીમાં બંધારણ અને સરકાર, વહીવટીતંત્ર, વિધાનમંડળ, ન્યાયતંત્ર, મીડિયા અને નાણાકીય સંસ્થાઓ ભય હેઠળ છે. મોદી સરકાર જેવી રીતે સંસદીય પ્રક્રિયા અવગણી રહી છે તેનાથી વિધાનમંડળને ખતરો છે. ઓબ્રાયને એવી પણ નોંધ કરી કે નરેન્દ્ર મોદીના શાસનમાં ન્યાયતંત્રની સ્વતંત્ર કામગીરી વિશે પણ પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. તેમણે કાશ્મીરમાં પત્રકારનો ધમકી આપવાનો અને ‘રાઇઝિંગ કાશ્મીર’ના તંત્રી શુજાત બુખારીની હત્યોનો મુદ્દો પણ ઉઠાવ્યો.
૨૦૧૮ના બજેટ સત્રમાં લોકસભાની બેઠક તેના ફાળવવામાં આવેલા સમયના ૨૧ ટકા સમય માટે જ યોજાઇ હતી. જ્યારે રાજ્યસભાની બેઠક ૨૭ ટકા સમય માટે જ યોજાઇ હતી. લોકસભામાં સરકારના બિલ્સ પર માત્ર ૧૪ મિનિટ પસાર કરવામાં આવી હતી. જ્યારે રાજ્યસભામાં આ બિલ્સ પર માત્ર ૩ મિનિટ જ પસાર કરાઇ હતી. તેમણે એવી પણ નોંધ કરી છે કે ખરડાઓ સંસદમાં પસાર કરવામાં આવે તે પહેલા સંસદની સ્થાયી સમિતિઓ દ્વારા તેના પર ચર્ચા-વિચારણા કરવામાં આવે છે પરંતુ સ્થાયી સમિતિઓ ખરડાઓ પર વિચારણા કરી રહી નથી. અધિકારીઓ પણ ભય અનુભવી રહ્યા છે. આઘાત વ્યક્ત કરતા ઓબ્રાયને જણાવ્યું કે બે ભારતીય નાગરિકોના ધર્મને ધ્યાનમાં લીધા વગર તેમને પાસપોર્ટ આપવામાં આવે, તેની ખાતરી કરવા બદલ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને ટ્રોલ કરવામાં આવ્યાં અને તેમની આકરી ટીકા કરવામાં આવી.