(એજન્સી) અંકારા,તા.૮
મ્યાનમારમાં જે રીતે રોહિંગ્યા મુસ્લિમો અને મ્યાનમારની સેના તથા બૌદ્ધ સમુદાય વચ્ચે અથડામણો ચાલી રહી છે અને રોહિંગ્યા મુસ્લિમોનું કત્લેઆમ કરાઇ રહ્યું છે તેની સામે તમામ મુસ્લિમ સમુદાયો વિરોધ દર્શાવી ચૂક્યા છે. એવામાં આઇઓસીના ચેરમેન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને આકરી ચિંતા વ્યક્ત કરતાં એશિયન દેશ મ્યાનમારના નેતા આંગ સાન સુ કી સાથે વાતચીત કર્યા બાદ રોહિંગ્યા મુસ્લિમોની મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે ૧૦૦૦ ટનની મદદ મોકલાવી હતી અને તેનું વિતરણ કરાવ્યું હતું. આવી રીતે બાંગ્લાદેશ તથા મ્યાનમારમાં તુર્કીની મદદ કરતી એજન્સીઓ રોહિંગ્યા મુસ્લિમો માટે એક લાઇફલાઈન સમાન બની ગઇ છે. તમને જણાવી દઈએ કે ટીકા એ તુર્કીની સહાયક એજન્સી છે તેણે જ સૌથી પહેલા રોહિંગ્યા મુસ્લિમોની મદદ કરી છે અને આંગ સાન સૂ કી આ સંગઠન પર આતંકીઓની મદદ કરવાનો આરોપ પણ મૂકી રહી છે. તાજેતરમાં જે રોહિંગ્યા મુસ્લિમો પર મ્યાનમારની સરકાર દ્વારા આકરો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેની આકરા શબ્દોમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ટીકા કરી હતી. તુર્કીના સૂત્રો પ્રમાણે રેસેપ તૈયપ એર્દોગાને સુ કી સાથે ટેલિફોનિક વાતચીત કરી આકરા શબ્દોમાં તેમની ઝાટકણી કાઢી હતી. એર્દોગાનના પ્રવક્તા ઇબ્રાહીમ કાલિને તેમના નિવેદનમાં જણાવ્યું કે મ્યાનમાર સાથેના સમકક્ષ સાથે વાતચીત કર્યા બાદ ૧૦૦૦ ટનની મદદ મોકલવા માટે સરકારે મંજૂરી આપી હતી. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રએ આપેલી માહિતી મુજબ દોઢ લાખ જેટલા રોહિંગ્યા મુસ્લિમો છેલ્લા ૧૧ દિવસમાં પલાયન કરી બાંગ્લાદેશ પહોંચી ગયા છે. હાલમાં પણ મ્યાનમારમાં સેના અને રોહિંગ્યા મુસ્લિમો વચ્ચે જોરદાર અથડામણ ચાલી રહી છે અને રોહિંગ્યા મુસ્લિમો પર આકરું દમન ગુજારાઇ રહ્યું છે. જોકે અચરજ પમાડતી વાત એ છે કે મ્યાનમારના બૌદ્ધ સમુદાયના લોકો આ અંગે ટીકા કરવાને બદલે તેઓ મ્યાનમારની સરકારને ટેકો આપી રહ્યાં છે. મ્યાનમારના રખાઇન સ્ટેટમાં હાલમાં માનવીય કટોકટી જેવી આકરી સ્થિતિ સર્જાઇ છે. તમને જણાવી દઇએ કે તાજેતરની હિંસાની શરૂઆત ઓક્ટોબર મહિનાથી થઇ છે. જેમાં રોહિંગ્યા આતંકીઓએ મ્યાનમારની સેનાના પોસ્ટ પર જોરદાર હુમલો કરી બધુ વેરવિખેર કરી નાખ્યું હતું. જોકે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને મ્યાનમારની સરકાર પર આ મામલે હત્યાકાંડ કરવાનો આરોપ મૂક્યો છે. મ્યાનમારની સરકાર જેવા સાથે તેવાની નીતિ અપનાવી રહી છે અને રોહિંગ્યા મુસ્લિમો પર અત્યાચાર કરી તેમને પલાયન કરવા મજબૂર કરી રહી છે. રોહિંગ્યા મુસ્લિમો હવે રોહિંગ્યા આતંકી, બૌદ્ધ સમુદાય અને આર્મીનો પણ અત્યાચાર સહન કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે મ્યાનમારમાં લગભગ એક મિલિયન જેટલા જ રોહિંગ્યા મુસ્લિમો છે અને તેમને પણ સરકારે ગેરકાયદેસર શરણાર્થી તરીકે જાહેર કરી દીધા છે અને તેમની નાગરિકતા છીનવી લીધી હતી. તેમને બાંગ્લાદેશી ગણાવવામાં આવી રહ્યાં છે. જોકે તુર્કીની આંતરરાષ્ટ્રીય સહાયક સંસ્થા ટીકાએ રખાઇન સ્ટેટ માટે ચોખા, ડ્રાઇડ માછલી, કપડાં વગેરે જેવી પાયાની મદદ પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો. બુધવારે તુર્કીના ફર્સ્ટ લેડી રાષ્ટ્રપતિની પત્નીએ પણ બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બાંગ્લાદેશમાં શરણ લઇ રહેલા મ્યાનમારમાં ચાલી રહેલી હિંસાના પીડિત રોહિંગ્યા મુસ્લિમોની મુલાકાત લીધી હતી. તુર્કીના ઉપવડાપ્રધાન હકાન કોવાસોગ્લુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ એર્દોગાનના પત્ની એમિન એર્દોગાને બુધવારે બાંગ્લાદેશમાં શરણ લઇ રહેલા અને મ્યાનમારના રખાઇન સ્ટેટમાં હિંસાથી પીડાયેલા મુસ્લિમ ભાઇઓની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં મોટાભાગના હિંસા પીડિત રોહિંગ્યા મુસ્લિમો શરણ લઇ રહ્યાં છે. કોવાસોગ્લુએ જણાવ્યું કે અમારા દેશના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાન જે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશનના પણ વડા છે તે અન્ય મુસ્લિમ દેશો અને ટોચના મુસ્લિમ નેતાઓ સાથે રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચર્ચા કરી રહ્યાં છે. મંગળવારે પણ મ્યાનમારની સરકારે તુર્કીશ કોર્પોરેશન એન્ડ કોઓર્ડિનેશન એજન્સીને રોહિંગ્યા મુસ્લિમોની મદદ કરવા માટે ૧૦૦૦ ટન સામાન આપવાની મંજૂરી આપી હતી. આ મંજૂરી પણ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને મ્યાનમારના આંગ સાન સુ કી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ આપવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે હાલમાં પણ સમગ્ર વિસ્તારમાં હિંસા ચાલી રહી છે અને વિશ્વના તમામ દેશોએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઇએ કે હેલિકોપ્ટરની મદદથી પીડિત વિસ્તારોમાં રાહતસામગ્રીનું વિતરણ કરાઇ રહ્યું છે. તેમણે કહ્યું કે આ વિસ્તારોમાં ટીકા બે ઓફિસ ધરાવે છે અને ત્યાંથી જ સમગ્ર કાર્યવાહી કરવામાં આવે છે. લગભગ ૧૦૦૦૦૦ જેટલા પરિવારોની જરૂરિયાત પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.