(એજન્સી) તા.૬
તુર્કી સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને એશિયન દેશ મ્યાનમારના નેતા આંગ સાન સુ કી સાથે વાતચીત કર્યા બાદ કહ્યું છે કે તુર્કી રોહિંગ્યા મુસ્લિમોની મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે ૧૦૦૦ ટનની મદદ મોકલવામાં આવશે. તાજેતરમાં જે રોહિંગ્યા મુસ્લિમો પર મ્યાનમારની સરકાર દ્વારા આકરો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેની આકરા શબ્દોમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ટીકા કરી હતી. તુર્કીના સૂત્રો પ્રમાણે રેસેપ તૈયપ એર્દોગાને સુ કી સાથે ટેલિફોનિક વાતચીત કરી આકરા શબ્દોમાં તેમની ઝાટકણી કાઢી હતી. એર્દોગાનના પ્રવક્તા ઇબ્રાહીમ કાલિને તેમના નિવેદનમાં જણાવ્યું કે મ્યાનમાર સાથેના સમકક્ષ સાથે વાતચીત કર્યા બાદ ૧૦૦૦ ટનની મદદ મોકલવા માટે સરકારે મંજૂરી આપી દીધી છે. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રએ આપેલી માહિતી મુજબ ૧ર૩૬૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમો છેલ્લા ૧૧ દિવસમાં પલાયન કરી બાંગ્લાદેશ પહોંચી ગયા છે. હાલમાં પણ મ્યાનમારમાં સેના અને રોહિંગ્યા મુસ્લિમો વચ્ચે જોરદાર અથડામણ ચાલી રહી છે અને રોહિંગ્યા મુસ્લિમો પર આકરો દમન ગુજારાઇ રહ્યો છે. જોકે અચરજ પમાડતી વાત એ છે કે મ્યાનમારના બૌદ્ધ સમુદાયના લોકો આ અંગે ટીકા કરવાને બદલે તેઓ મ્યાનમારની સરકારને ટેકો આપી રહ્યાં છે. મ્યાનમારના રખાઇન સ્ટેટમાં હાલમાં માનવીય કટોકટી જેવી આકરી સ્થિતિ સર્જાઇ છે. તમને જણાવી દઇએ કે તાજેતરની હિંસાની શરૂઆત ઓક્ટોબર મહિનાથી થઇ છે. જેમાં રોહિંગ્યા આતંકીઓએ મ્યાનમારની સેનાના પોસ્ટ પર જોરદાર હુમલો કરી બધુ વેરવિખેર કરી નાખ્યું હતું. જોકે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને મ્યાનમારની સરકાર પર આ મામલે હત્યાકાંડ કરવાનો આરોપ મૂક્યો છે. મ્યાનમારની સરકાર જેવા સાથે તેવાની નીતિ અપનાવી રહી છે અને રોહિંગ્યા મુસ્લિમો પર અત્યાચાર કરી તેમને પલાયન કરવા મજબૂર કરી રહી છે. રોહિંગ્યા મુસ્લિમો હવે રોહિંગ્યા આતંકી, બૌદ્ધ સમુદાય અને આર્મીનો પણ અત્યાચાર સહન કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે મ્યાનમારમાં લગભગ એક મિલિયન જેટલા જ રોહિંગ્યા મુસ્લિમો છે અને તેમને પણ સરકારે ગેરકાયદેસર શરણાર્થી તરીકે જાહેર કરી દીધા છે અને તેમની નાગરિકતા છીનવી લીધી હતી. તેમને બાંગ્લાદેશી ગણાવવામાં આવી રહ્યાં છે. જોકે તુર્કીની આંતરરાષ્ટ્રીય સહાયક સંસ્થા ટીકાએ રખાઇન સ્ટેટ માટે ચોખા, ડ્રાઇડ માછલી, કપડાં વગેરે જેવી પાયાની મદદ પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.