(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
દેશનાં રાજકારણમાં ફરી એકવાર ‘ટુકડે-ટુકડે ગેંગ’ જેવા શબ્દોનો ઉપયોગ શરૂ થયો છે. હવે રાષ્ટ્રપિતા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ આ વિશે ટ્‌વીટ કર્યું છે. જેમાં તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પોતાના ટિ્‌વટમાં તેમણે કહ્યું છે કે, ‘હાલમાં ટુકડ-ટુકડે ગેંગ કેન્દ્રની સત્તા પર છે.’ તેમણે ભાજપનાં અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહનાં નિવેદન બાદ આ ટિ્‌વટ કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ ગેંગને સજા કરવાનો સમય આવી ગયો છે. અમિત શાહે ગુરૂવારે દિલ્હીમાં થયેલ સમારોહમા આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, દિલ્હીની જનતાએ ટુકડે-ટુકડે ગેંગને પાઠ ભણાવવો જોઈએ. આ સાથે શાહે પોતાના ભાષણમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આપને જણાવી દઈએ કે, દેશનાં ઘણા ભાગોમાં સીએએનો વિરોધ થઈ રહ્યો છે. સીએએનો વિરોધ કરનારાઓમાં તુષાર ગાંધીનો પણ સમાવેશ થાય છે. તે આ કાયદાનાં વિરોધમાં પણ સામેલ હતા. અગાઉ, વીર સાવરકર વિશેનાં નિવેદનો વચ્ચે તુષાર ગાંધીએ કહ્યું હતું કે, તેઓ (સાવરકર) આઝાદીનાં સૈનિક નહીં, પણ માફીનાં લેખક હતા. અયોધ્યા કેસમાં પણ તુષાર ગાંધીએ સુપ્રીમ કોર્ટનાં નિર્ણય અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આ અંગે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે, “આજે સુપ્રીમ કોર્ટમાં ગાંધીની હત્યા કેસમાં સુનાવણી હોત, તો નિર્ણય લેવામાં આવ્યો હોત કે નાથુરામ ગોડસે એક ખૂની છે, પરંતુ તે દેશભક્ત પણ છે.”