(એજન્સી) તુતીકોરિન, તા. ૨૩
તમિળનાડુમાં દરિયાકાંઠે આવેલા તુતીકોરિન શહેરમાં સ્ટરલાઇટ (તાંબું ઓગાળવાના) પ્લાન્ટના વિસ્તરણ સામેના વિરોધ દરમિયાન મંગળવારે પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ૧૧ લોકો માર્યા ગયા હતા અને અન્ય ૩૦ જણાં ઘવાયા બાદ આજે ફરી હિંસક ઘટનાઓ સર્જાઇ છે. આ વિસ્તારમાં આજે પણ તનાવ યથાવત છે. પોલીસ અને દેખાવકારો વચ્ચે સર્જાયેલી અથડામણમાં લોકો માર્યા ગયા છે. તુતીકોરિનમાં સ્ટર્લાઇટ ઇન્ડસ્ટ્રીઝના તાંબા ઓગાળવાના નવા પ્લાન્ટના નિર્માણ સામે સ્થાનિક લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોલીસે બુધવારે ફરી એક વાર દેખાવકારો પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા. અન્નાનગરમાં ફાટી નીકળેલી હિંસાને કાબૂમાં લેવા માટે પોલીસ ગોળીબાર કરતા એક વ્યક્તિ મૃત્યુપામી છે અને અન્ય ત્રણ લોકો ઘવાયા છે. દરમિયાન, મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચે સ્ટર્લાઇટ કંપનીના વિસ્તરણ પર સ્ટે મૂકી દીધો છે.
તુતીકોરિનમાં જનરલ હોસ્પિટલની બહાર સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. સ્ટર્લાઇટ ઇન્ડસ્ટ્રીઝ સામે મંગળવારના પ્રદર્શનમાં ઘવાયેલા લોકોને આ જ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દરમિયાન, પોલીસ ફાયરિંગની તપાસ માટે તમિળનાડુ સરકારે નિવૃત્ત ન્યાયાધીશ અરૂણા જગદીશને નિયુક્ત કર્યા છે. કેન્દ્ર સરકારે તમિળનાડુ સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. રાષ્ટ્રીય માનવાધિકાર પંચે તુતીકોરિનની હિંસાના મીડિયાના અહેવાલોની નોંધ લીધી છે. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે એક સપ્તાહ પહેલા શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી અને ત્યાં સ્થિતિ સામાન્ય હતી. ડાબેરી અને નક્સલવાદી તત્વો દેખાવકારોમાં ઘૂસી ગયા હતા. ૨૨મી મેના રોજ કલેક્ટર કચેરીને ઘેરવાનું દેખાવકારો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. પોલીસને અપેક્ષા ન હતી કે ઓચિંતા ૧૦,૦૦૦ જેટલા દેખાવકારો ઉમટી પડશે. પોલીસ પાસે વધુ દળો ન હતા અને આ ઘટનાને પહોંચી વળવા માટે પોલીસની કોઇ તૈયારી પણ ન હતી. એટલું જ નહીં, પોલીસને એવી પણ અપેક્ષા ન હતી કે ટોળું આટલું હિંસક બની જશે. તુતીકોરિનની જનરલ હોસ્પિટલની બહાર હિંસક દેખાવકારો દ્વારા એક બસને આગ ચાંપવામાં આવ્યા બાદ હોસ્પિટલની બહાર પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે. સ્ટર્લાઇટ પ્લાન્ટને કાયમી રીતે બંધ કરાવવાની માગણી કરી રહેલા હજારો દેખાવકારો હિંસા પર ઉતરી આવ્યા હતા. થુથુકુડીમાં કલમ ૧૪૪ લાગુ છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
સ્ટર્લાઇટ કોપર પ્લાન્ટના યુનિટ-૨નું નિર્માણ બંધ કરવા મદ્રાસ હાઇકોર્ટનો વેદાંતાને આદેશ

(એજન્સી) ચેન્નઇ, તા. ૨૩
દક્ષિણ તમિળનાડુના થુથુકુડીમાં આવેલા સ્ટર્લાઇટ કોપર પ્લાન્ટના બીજા નંબરના યુનિટનું નિર્માણકામ બંધ કરવાનો મદ્રાસ હાઇકોર્ટે વેદાંતાને આદેશ આપ્યો છે. યુનિટ બંધ કરવાની માગણી કરી મંગળવારે યોજવામાં આવેલી એક વિશાળ રેલી હિંસક બનતા રેલીને કાબૂમાં લેવા માટે પોલીસે કરેલા ગોળીબારમાં ૧૧ લોકો માર્યા ગયા છે. થુથુકુડીની આર.ફાતિમા દ્વારા રજૂ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર મદ્રાસ હાઇકોર્ટની ડિવિઝન બેંચના ન્યાયમૂર્તિઓ એમ. સુંદર અને અનિતા સુમંતાએ વચગાળાનો આદેશ આપ્યો છે. આદેશમાં જાહેર સુનાવણી કર્યા બાદ કંપનીની પર્યાવરણની મંજૂરીના રીન્યુઅલ માટેની અરજીની પ્રક્રિયા ચાર મહિનામાં પુરી કરવાનું જણાવવામાં આવ્યું છે. ૨૩મી સપ્ટેમ્બર પહેલા પ્રક્રિયા પુરી કરવાની સ્પષ્ટતા કરતા બેંચના ન્યાયમૂર્તિઓએ જણાવ્યું કે વેદાંતાએ ત્યાં સુધી યુનિટનું નિર્માણ કામ બંધ કરી દેવું જોઇએ. ગત સપ્તાહે મદુરાઇ બેંચે આ કેસમાં આદેશો અનામત રાખ્યા હતા.