(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
હંમેશા આગ લાગે ત્યારે જ કુવો ખોદવા નિકળતાં સુરત મનપાના વિવિધ વિભાગોની જેમ હવે ફાયર વિભાગે પણ વેસુ ખાતેના આગમ આર્કેડમાં આગ અને ત્યારબાદ ટ્યુશન ક્લાસીસમાં ધુમાડાની ઘટના બાદ આખા શહેરમાં ટ્યુશન ક્લાસીસનો સર્વે હાથ ધરી નોટિસો આપી હતી અને આગ અંગે વૈકલ્પિક વ્યવસ્થા ન કરનારા ક્લાસીસોને સીલ કરવાની કામગીરી હાથ ધરી છે.
સુરત મનપાના સુત્રોના જણાવ્યા મુજબ આજે વહેલી સવારથી જ ફાયર વિભાગની વિવિધ ટીમો દ્વારા ઘોડદોડ રોડ, આનંદ મહલ રોડ તેમજ એલ.પી. સવાણી રોડ, અડાજણ વિસ્તારની ૭ જેટલી ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવી છે. આગમ આર્કેડની ઘટના બાદ ફાયર સ્ટાફ દ્વારા શહેરની ટ્યુશન કલાસીસનો સર્વે કરી ફાયર સેફ્ટીના સાધનો અને નોમ્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. વધુ સંખ્યામાં બાળકો ભેગા થતા હોય છે. ત્યાં આવવા જવા માટેના જુદા-જુદા રસ્તા હોવા જાઈએ, વેન્ટીલેશન, ફાયર સ્મોક એલાર્મ સિસ્ટમ વસાવવા અંગે નોટિસ આપવામાં આવી હતી. ૧૫ દિવસમાં ફાયર વિભાગનો અભિગમ લેવાની સૂચના પણ આપવામાં આવી હતી. ટ્યુશન ક્લાસીસ સંચાલકો દ્વારા કોઈ પગલા ન ભરતા આજથી ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. સવારના સમયે ટ્યુશન ક્લાસીસ શેર થાય તે પહેલાં જ પાલિકાની ટીમ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. આજે ૭ ક્લાસીસ સીલ કરવામાં આવ્યા હતા.
(૧) નારાયણ એકેડેમી સૂર્યકિરણ એપાર્ટમેન્ટ ઘોડદોડ રોડ, (૨) ક્વાર્ક ક્લાસીસ ધર્મેશ એપાર્ટમેન્ટ નર્મદ લાયબ્રેરી પાસે, (૩) બીટા આઈઆઈટી એકેડમી ટાઈટેનિયમ સ્કવેર અડાજણ, (૪) દેવ ક્લાસીસ ઈસકોન પ્લાઝા ભૂલકા ભવન સ્કૂલ નજીક (૫) ઈનોવેટીવ એકેડમી ભૂલકા ભવન સ્કૂલ પાસે, (૬) જીરકોન ક્લાસીસ ટ્રિનીટી બીજનેસ પાર્ક ટીજીબી પાસે એલ.પી. સવાણી રોડ, (૭) ચિલ્ડ્રન્સ માઈન્ડ ઈસકોન પ્લાઝા ભુલકા ભવન સ્કૂલ નજીક ઉપરોક્ત સાત ક્લાસીસને સીલ મારવામાં આવતા સવારના સમયે ક્લાસીસમાં આવનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચોંકી ઉઠ્યા હતા. શહેરના અન્ય કલાસીસમાં પણ આગામી દિવસોમાં સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.