(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
શહેરના ભટાર રોડ પરની એક સ્કૂલની વિદ્યાર્થીનીએ પોતાના જ ઘરના બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ધોરણ ૧૨માં અભ્યાસ કરતી વ્રિન્દાએ કેન્સર પીડિત ટ્યૂશન શિક્ષકની બીમારીના માનસિક તણાવમાં આવું પગલું ભર્યું હોય એમ પરિવારનોનું માનવું છે. છેલ્લા એક મહિનાથી વ્રિન્દા શિક્ષકને લઈ ખૂબ જ ચિંતિત હોવાનું અને તેની સારવાર પણ ચાલી રહી હોવાનું પરિવારે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સંજયકુમાર જયકીશનદાસ ગોયેલ મૂળ હરિયાણાના રહેવાસી છે અને ૨૫ વર્ષથી સુરતના ભટાર રોડ પર આવેલા સમર્પણ એપાર્ટમેન્ટમાં રહે છે. સંજયભાઈ કાપડ દલાલીના કામકાજ સાથે સંકળાયેલા છે. તેમને બે દીકરી અને એક દીકરો છે. વ્રિન્દા ધોરણ-૧૨ ભટારની શાળામાં અભ્યાસ કરતી હતી. વ્રિન્દાને છેલ્લા કેટલાક સમયથી એક શિક્ષક ઘરે અભ્યાસ કરાવવા આવે છે. જો કે, આ શિક્ષકને કેન્સર હોવાનું બહાર આવતા વ્રિન્દા માનસિક તણાવમાં આવી ગઈ હતી. એક મહિનાથી વ્રિન્દા બસ એક જ વાત કરતી કે મારા ટીચરને કંઈ થઈ જાય એ પહેલાં મને કંઈ થઈ જવું જોઈએ, આવી અનેક ભાવનાઓ વ્રીન્દામાં ઘર કરી ગઈ હતી. આવા સંજોેગોમાં વ્રીન્દાએ સોમવારની બપોરે પોતાના જ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ખટોદરા પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે.