(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રપ
ગુજરાતની ભાજપ સરકારના ભ્રષ્ટાચાર નાબૂદીના દાવા વચ્ચે રાજ્યમાં એક પછી એક મસ-મોટા ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે. મગફળી કાંડનું મસમોટું કૌભાંડ બહાર આવ્યા બાદ હવે રાજ્યમાં તુવેરમાં ભ્રષ્ટાચારની વિગતો ખૂલતા રાજ્યભરમાં ચર્ચા સાથે ખેડૂત આલમમાં રોષની લાગણી ઊભી થવા પામી છે. ત્યારે આ સમગ્ર મામલે સરકાર તરફથી હજુ પારદર્શિતાની વાત કરવામાં આવી રહી છે. સરકારના મંત્રીએ આજે આ મુદ્દે જણાવ્યું હતું કે, તુવરેની ખરીદીમાં પારદર્શિતા રાખવામાં આવી છે અને તેમાં કોઈ કૌભાંડ થયું નથી. સંબંધિતો સામે કાર્યવાહી કરાશે કોઈને છોડવામાં આવશે નહીં. ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ પાક પૈકીના તુવેરની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં કેશોદ ખાતેથી હલકી ગુણવત્તાની તુવેર ઘૂસાડવામાં આવી હોવાનું બહાર આવતા જેતપુર ખાતેના સરકારના ગોડાઉનમાંથી આ જથ્થો રિજેક્ટ કરવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગે આ બાબતે તપાસ કરતા ૩૨૪૧ કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના મળી આવ્યા હતા. રાજ્યમાં ખૂબ જ ચગેલા મગફળી કાંડ બાદ ફરી એક વાર ટેકાના ભાવે થઈ રહેલી તુવેરની ખરીદીમાં ગોટાળો કરાયો હોવાની વિગતો આવતા આજે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તુવેરના ૩૨૪૧ કટ્ટામાંથી ૧૦૪૨ કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના રિજેક્ટ થયા છે, જ્યારે અન્ય કટ્ટામાં કઈ પણ સમસ્યા નથી. એક પ્રેસ કોન્ફરન્સમાં રાદડિયાએ જણાવ્યું હતું કે, તુવેરની ખરીદીમાં કે તેના ભાવની પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું કૌભાંડ થયું નથી પરંતુ જે લોકોએ હલકી ગુણવત્તાની ૩-૪ ગાડી તુવેર ઘૂસાડી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એક પણ વ્યક્તિને સરકાર છોડશે નહીં. જયેશ રાદડિયાએ કહ્યું કે, નબળી તુવેરની ખરીદી કરી તેને ગોડાઉનમાં ઘૂસાડવામાં સંડોવાયેલા એક પણ વ્યક્તિને સરકાર છોડાશે નહીં. હાલમાં ગ્રેડર સહિત ૭ સામે ગુનો દાખલ કરાયો છે અને તપાસમાં જે કોઈ વ્યક્તિના નામ આવશે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે વધુ વિગતો મેળવી રહ્યાં હોવાનું જણાવતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “ચાલુ વર્ષે રાજ્યસરકારે, અનેક પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે જેમાં મગફળીની પારદર્શક પ્રક્રિયા દ્વારા ખરીદી કરવામાં આવી હતી. સરકાર દ્વારા ગ્રેડિંગમાં સેમ્પલ લેવામાં આવે છે અને તે પાસ થાય તેની જ ખરીદી કરવામાં આવે છે. રાજ્યના કેશોદ સેન્ટર પરથી જે તુવેર ઘૂસાડવામાં આવી હતી તેની ક્વોલિટીને રાજ્યસરકારે જ કેન્સલ કરી છે, મારી જાણકારીમાં ત્રણથી ચાર ગાડી જ રિજેક્ટ કરી છે જેથી આમાં કૌભાંડનો ક્યાંય પ્રશ્ન નથી આવતો. પુરવઠા વિભાગના એમડી મનિષ ભારદ્વાજ આજે કેશોદ જશે અને વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ઝોનના પુરવઠા અધિકારીએ તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે પુરવઠા મામલતદાર એમ.કે. મોરીએ કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે.