અમદાવાદ,તા.ર૯
ગુજરાતમાં મગફળીકાંડ અને બારદાનકાંડ બાદ જુનાગઢ જિલ્લામાં તુવેર ભેળસેળ કાંડ બહાર આવ્યા બાદ રાજય સરકાર આ મહાકૌભાંડના અસલ આરોપીઓ સુધી હજી સુધી ન પહોંચી શકતા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આજરોજ ગાંધીનગર ખાતે રાજયપાલ ઓ.પી. કોહલીને મળી ગુજરાતમાં મગફળીકાંડ અને બારદાનકાંડ બાદ તુવેરકાંડમાં તાત્કાલિક તટસ્થ તપાસ કરવા માગણી કરી છે.
તેમણે આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે ગુજરાત રાજયમાં અગાઉ મગફળીકાંડ, બારદાનકાંડ વગેરે કૌભાંડો કરી ટેકાના ભાવે ખરીદી કેન્દ્રોની જવાબદારી હતી. તેવા જ લોકોએ સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી સરકારને મોટું આર્થિક નુકસાન કરી દેશની તિજોરીને કરોડો રૂપિયાનો ચુનો લગાવેલ છે. આ સમગ્ર કાંડમાં જવાબદારો સામે કોઈ નક્કર કાર્યવાહી થયેલ નથી. માત્ર નાની-નાની માછલીઓ સમાન પકડાયા છે. પરંતુ આવા લોકોથી આટલુ મોટું કૌભાંડ શકય નથી. જેથી આ સમગ્ર પ્રકરણમાં મગરમચ્છો આજદિન સુધીમાં પકડાયેલ નથી. જેના કારણે એક પછી એક કૌભાંડોનો સિલસિલો ચાલુ છે. તાજેતરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોની તુવેર ખરીદવા વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી નથી. તેમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ખેડૂત અને ખેડૂત આગેવાનોએ પોતાની જાનની પરવા કર્યા વિના જનતા રેડ કરીને વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું હતું અને તે સમગ્ર પ્રકરણમાં ગુનો દાખલ થયેલ છે. પરંતુ તેમાં તપાસ બાદ કોઈ મોટા માથાઓના નામ સરકાર જાહેર કરશે કે પછી તેમાં પણ અગાઉની જેમ નાની-નાની માછલીઓ સમાન લોકોને પકડીને સમગ્ર પ્રકરણનું ભીનુ સંકેલી લેવાશે ? ખેડૂતોની તુવેર ખરીદતી વખતે ખેડુતોનો જરા પણ નબળો માલ ચલાવવામાં આવતો ન હતો. ખેડૂતો પાસેથી કવોલિટીફાઈડ તુવેર લેવામાં આવી હતી. તે તુવેર ખરીદીની જે મર્યાદા હતી તેમાંથી માત્ર રપ ટકાથી ૪૦ ટકા ખેડૂતોની તુવેર ખરીદેલ છે અને બાકીનો માલ બહારથી જાણે વેપારીઓને તેમજ તુવેરના કારખાનામાંથી રીજેકટ ધૂળ-માટી ઢેફાનો માલ બોરીઓમાં પેક કરી ખેડૂતોના નામે ખરીદી બતાવી દેવામાં આવી છે. તુવેર ખરીદયા બાદ તેની બોરીઓમાં ખેડૂતનું નામ અને રજિસ્ટ્રેશન નંબરવાળી ટેગ (પાવતી) બારદાનમાં સિલાઈ સાથે લગાવવાની હોય છે તે પણ આ કૌભાંડકારીઓએ ૩૦ ટકા બોરીઓમાં ટેગ (પાવતી) લગાવેલ હતી તેમાં ખેડૂતના રજિસ્ટ્રેશન નંબરવાળી પાવતી લગાવેલ તેમાં સારો માલ છે. પરંતુ અન્ય ૭૦ ટકા બારદાનો છે તેમાં સિલાઈ સાથેની ટેગ લગાવેલ છે તેમાં ખેડૂતનું રજિસ્ટ્રેશન નંબર કે નામ લખેલ નથી તે માલ ગ્રેડરના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રદ કરવાને પાત્ર છે. આ સમગ્ર પ્રકરણમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. તે જ રીતે વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં ખરીદી થયેલ છે તેમાં પણ જવાબદારો સામે રાજય સરકાર કે વહીવટી તંત્ર દ્વારા પાંચ દિવસનો સમય વિતવા છતાં આજદિન સુધી જવાબદારો સામે કોઈ ગુનો નોંધાયેલ નથી ? રાજય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આવા કૌભાંડીઓ સામે ગુનો દાખલ કરવામાં કેમ બેદરકારી દાખવવામાં આવે છે તે તપાસનો વિષય માગી લે છે. આ સમગ્ર પ્રકરણમાં રાજયપાલ દ્વારા કડકમાં કડક તપાસના આદેશો આપવામાં આવે અને જવાબદારો સામે ઉદાહરણરૂપ ગુનાઓ દાખલ કરવામાં આવશે તો જ આવા કૌભાંડો થતા અટકશે. જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો કૌભાંડકારીઓને ખુલ્લો દોર મળી જશે અને આવા કૌભાંડો આચરી દેશના ખેડૂતોને પાયમાલ તરફ દોરી જશે. એમ તેમણે જણાવ્યું છે.