(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૮
અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની રોકાની વિધિની તસવીર વાયરલ થઈ રહી છે. પ્રિયંકા અને નિકે પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા. પ્રિયંકાએ પીળા અને સફેદ જ્યારે નિકે સફેદ રંગના વસ્ત્રો પહેર્યા હતા. આ રોકા વિધિમાં પ્રિયંકાની પિતરાઈ બહેન પરિણીત ચોપરા અને અન્ય પરિજનો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. નિકના માતા-પિતા ડેનિસ અને કેવિન જોનાસ, આ વિધિમાં સામેલ થવા માટે મુંબઈમાં આવ્યા હતા. જો કે નિકના પરિજનો કે મિત્રોમાંથી બીજું કોણ હાજર રહ્યું હતું તે સ્પષ્ટ થઈ શક્યું નથી. આ વિધિમાં સામેલ થનાર મહેમાનોની યાદીમાં રણવીર સિંઘ, કરણ જોહર અને અન્ય હસ્તીઓના નામ હતા.
પ્રિયંકાની પિતરાઈ બહેન તેમજ બોલીવૂડની અભિનેત્રી પરિણીતી ચોપરા પણ ઘરે પહોંચતી જોવા મળી હતી. આટલું જ નહીં પ્રિયંકાના ઘરની બહાર બ્રાહ્મણ પણ જોવા મળ્યા હતા. રોકાની વિધિમાં પહોંચનારા બ્રાહ્મણની તસવીર પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે રપ વર્ષના નિક જોનાસ પોતાના માતા-પિતા ડેનિસ અને કેવિન જોનાસ સીનિયરની સાથે ગુરૂવારની રાત્રે જ મુંબઈ પહોંચી ચૂક્યા છે. આ બીજી વખત હશે કે જ્યારે નિકે મુંબઈની મુલાકાત લીધી હોય. આ પહેલા તેઓ જૂનમાં પ્રિયંકાના પરિવરને મળવા માટે આવ્યા હતા. જ્યારે બંને સ્ટાર્સ ગોવામાં રજાઓ ગાળવા ગયા હતા.