(એજન્સી) શ્રીનગર, તા. ૪
દિલ્હીના બવાનામાં રહેતા કેટલાક સ્થાનિક લોકોને રોહિંગ્યા તથા બાંગ્લાદેશી હોવાનો રિપોર્ટ દર્શાવ્યા બાદ દિલ્હી લઘુમતી કમિશને એક ટીવી ચેનલને નોટિસ પાઠવી છે તેમ કમિશનના અધ્યક્ષે જણાવ્યું હતું. દિલ્હી લઘુમતી પંચના ચેરમેન ઝફરૂલ ઇસ્લામ ખાને જણાવ્યું હતું કે, આ ચેનલે ૧૧મી મેએ પોતાનો કાર્યક્રમ દર્શાવ્યો હતો જેમાં દિલ્હીના નાગરિકોને રોહિંગ્યા તથા બાંગ્લાદેશી ગણાવ્યા હતા. જોકે આ નાગરિકો સત્તાવાર રીતે ભારતીય નાગરિકો છે. દિલ્હીમાં સરકાર દ્વારા વિવિધ જગ્યાએથી તેમને એક જ જગ્યાએ મકાનો ફાળવ્યા બાદ તેઓ અહીં એક સાથે વસવાટ કરી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ચેનલના મેનેજિંગ ડાયરેક્ટરને દિલ્હીના લોકોને રોહિંગ્યા તથા બાંગ્લાદેશી ગણાવવા બદલ ૧૨મી જૂન સુધી જવાબ આપવા જણાવ્યું છે. જો આ ચેનલ જવાબ આપવામાં નિષ્ફળ જશે તો બાદમાં તેણે લેખિતમાં બિનશરતી માફી માગવી પડશે અને આ રિપોર્ટ કયા રિપોર્ટર અને સ્ટાફ દ્વારા તૈયાર કરાયો અને તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા જેના કારણે ભારતીય નાગરિકોના એક જૂથ વિરૂદ્ધ ખોટા સમાચાર ફેલાયા છે. આ અંગેની સંપૂર્ણ વિગતો પંચને આપવી પડશે. દિલ્હી લઘુમતી પંચે એમ પણ કહ્યું કે, ચેનલે પોતાની માફી પોતાની ચેનલ પર જ એર કરવી પડશે અને ભવિષ્યમાં આવું કોઇ કામ નહીં કરે તેની પણ બાંહેધરી આપવી પડશે. પંચે એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે, જો ચેનલ માગેલી વિગતો અંગે યોગ્ય જવાબ નહીં આપે તો તેણે આકરા પગલાં ભોગવવા તૈયાર રહેવુંં પડશે. આ અંગેની એક નોટિસ ઉત્તર દિલ્હીના ડીસીપીને પણ આપવામાં આવી છે જેમાં આ ચેનલ સામે કયા પગલાં લીધા અને દિલ્હીના નાગરિકોને રોહિંગ્યા તથા બાંગ્લાદેશી ગણાવનારા સ્થાનિક નાગરિક વિરૂદ્ધ શું પગલાં લીધા તેનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.