(એજન્સી) તા.૮
ગુવાહાટી સ્થિત એક મહિલા પત્રકારે રીપબ્લિક ટીવીના આસામના સંવાદદાતા અને પત્રકાર અનિરુદ્ધ ભાકત સામે પોતાનું અપહરણ અને શારીરિક તેમજ યૌન શોષણ કરવાનો આરોપ મૂક્યો છે. ફરિયાદી મહિલા પત્રકારને તેમના સાથીઓ દ્વારા જોયનગર વિસ્તારના એક ઘરમાંથી છોડાવ્યા બાદ આ મહિલા પત્રકારે દાખલ કરેલી એફઆઇઆરના આધારે બ્રોડકાસ્ટ રિપોર્ટર વિરુદ્ધ ૧ ડિસે.ની મોડી રાત્રે ગુવાહાટીના ડીસપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સ્થાનિક મીડિયા અનુસાર આઇપીસીની કલમ ૩૫૪, ૩૪૧, ૩૨૩, ૫૦૬ અને ૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદ થયા બાદ આરોપીની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી પરંતુ ૩ ડિસે. આરોપીને છોડી મૂકાયો હતો. ફરિયાદી મહિલા પત્રકારે એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસ દબાણ હેઠળ કામ કરી રહી છે અને તેથી મેજીસ્ટ્રેટની સમક્ષ રજૂ કર્યા વગર તેને કસ્ટડીમાંથી છોડી મૂકવામાં આવ્યો છે. પોલીસે તેની વિરુદ્ધ કલમ ૩૫૪ લગાવી હોવા છતાં તેને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા વગર છોડી મૂકવામાં આવ્યો છે.
આમ પોલીસે યોગ્ય કાનૂની કાર્યવાહીનો અમલ કર્યો નથી કારણ કે તે દબાણ હેઠળ કામ કરી રહ્યા છે એવું આ મહિલા પત્રકારે જણાવ્યું હતું. આરોપીને આઇપીસીની કલમ ૪૧ હેઠળ છોડી મૂકવામાં આવ્યો છે. ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ તેને ગેરમાર્ગે દોરી રહી છે. ૧ ડિસે.ની રાત્રે મારા સાથી પત્રકારો દ્વારા મને છોડવામાં આવ્યા બાદ અમે તાત્કાલિક એફઆઇઆર દાખલ કરવા પોલીસ સ્ટેશન ધસી ગયા હતા. હું આઘાતમાં હતી અને ફરિયાદ લખી શકું એવી મારી માનસિક સ્થિતિ ન હતી. આથી પોલીસે મારા એક સાથીને મારા વતી એફઆઇઆર લખવા જણાવ્યું હતું. પોલીસે તેને યોગ્ય માર્ગદર્શન આપ્યું ન હતું. પોલીસે મને કેસ નંબર પણ ખોટો આપ્યો હતો. કેસનો નંબર ૩૬-૩૭ હતો તેમ છતાં મને ૩૬-૩૬ નંબર આપવામાં આવ્યો હતો.