મુંબઈ,તા.૬
રવિવાર રાત્રે (પાંચ જાન્યુઆરી) દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અંદાજે ૫૦ બુકાનીધારીઓ ઘુસી આવ્યા હતાં અને ત્યાંના વિદ્યાર્થીઓ તથા પ્રોફસર્સ સાથે મારપીટ કરી હતી. આ ઉપરાંત હોસ્ટેલ તથા યુનિવર્સિટી કેમ્પેસમાં તોડફોડ કરી હતી. દિલ્હી સહિત દેશભરમાં આ હિંસાનો વિરોધ થઈ રહ્યો છે. સામાન્ય લોકોની સાથે સાથે બોલિવૂડ સેલેબ્સે પણ આ હુમલાનો વિરોધ કર્યો છે. સ્વરા ભાસ્કર, શબાના આઝમી, તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ, રિતેશ દેશમુખ, દિયા મિર્ઝા, ટિ્‌વંકલ ખન્ના, પ્રકાશ રાજ સહિતના સેલેબ્સે આ અંગે આક્રોશ તથા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ટિ્‌વંકલ ખન્નાએ કહ્યું, ભારતમાં વિદ્યાર્થીઓ કરતાં ગાયોને વધુ સુરક્ષા મળે છે. આ એ દેશ છે, જેણે ડરમાં જીવવાની ના પાડી છે. તમે હિંસા કરીને લોકોને ડરાવી શકો નહીં…વધુ વિરોધ થશે, દેખાવો થશે, લોકો રસ્તા પર વધુ ઉતરશે. રિતેશ દેશમુખે કહ્યું હતું, તમારે તમારો ચહેરો ઢાંકવાની કેમ જરૂર પડી? કારણ કે તમને ખબર હતી કે તમે કંઈક ખોટું કરી રહ્યાં છો, તે ગેરકાયદેસર તથા સજાને પાત્ર છે. આમાં કોઈ સન્માન નથી. જેએનયુની અંદર બુકાનીધારી ગુંડાઓ દ્વારા વિદ્યાર્થી-પ્રોફસર પર નૃશંસતાપૂર્ણ હુમલાને ક્યારેય સહન કરવામાં આવશે નહીં.