(એજન્સી) સેન ફ્રાંસિસ્કો, તા. ૪
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્‌વટરે ડેટા ચોરી રોકવા અને અન્ય ઘણા સુરક્ષાના કારણસર સમગ્ર વિશ્વના પોતાના ૩૩ કરોડ યુઝર્સને પાસવર્ડ બદલવાની અપીલ કરી છે. કંપનીએ પોતાના સત્તાવાર ટિ્‌વટર હેંડલથી ટિ્‌વટ કરીને યુઝર્સને એમ કરવાનું કહ્યું છે. કંપનીએ જણાવ્યું કે સોફ્ટવેરમાં બગ (ગરબડ) હોવાને કારણે પાસવર્ડ બદલવાનું કહેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા સાઇટે કહ્યું છે કે તેને હેકિંગના કોઇ સંકેત મળ્યા નથી તેમછતાં સાવચેતીના પગલાંરુપે યુઝર્સને પાસવર્ડ બદલવાનું કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે તાજેતરમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકથી ડેટા ચોરીના અહેવાલો આવ્યા હતા. ફેસબુક પછી ટિ્‌વટર પર પણ કેંબ્રિજ એનાલિટિકાને ડેટા વેચવાનો આરોપ મુકાયો હતો.
ટિ્‌વટર સપોર્ટે પોતાના ટિ્‌વટમાં કહ્યું છે કે તાજેતરમાં જ અમને પહેલાથી જ નિર્ધારિત પાસવર્ડા બગની ફરિયાદ મળી છે. જોકે, અમે એ બગને ઠીક કરી લીધું છે અને આ પ્રક્રિયા દરમિયાન કોઇના ડેટામાં કોઇ ગરબડની માહિતી મળી નથી. નોંધનીય છે કે ટિ્‌વટરે પોતાના યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે પોતાના પાસવર્ડ બદલવાનો અનુરોધ કર્યો છે. ટિ્‌વટરે એવું પણ જણાવ્યું છે કે તેના સર્વરમાં આ ગરબડ ખાસ કરીને હેશિંગ ટેકનિકનો ઉપયોગ કરતી વખતે જોવામાં આવી રહી હતી. તેની ટેકનિકના ઉપયોગ માટે ટિ્‌વટર પોતાના યુઝર્સ પાસે તેમના પાસવર્ડ માગે છે. ટિ્‌વટર બ્લોગ મુજબ બગ હોવાને કારણે હેશિંગ પ્રોસેસ શરુ થતા પહેલા ઇન્ટરનલ કમ્પ્યુટરમાં પાસવર્ડ લખવામાં આવી રહ્યો હતો, આ એક મોટી ગરબડ હતી, ટિ્‌વટરે આ ભૂલ માટે માફી પણ માગી છે.