(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
સિંગણપોર ગામ વણજારા વાસના તાપી નદિના પાળા પાસેથી કોઈ અજાણી મહિલા દ્વારા ત્યજી દેવામાં આવેલુ એક દિવસનું તાજુ જન્મેલુ બાળક મળી આવ્યું હતું
કતારગામ સિંગણપોર ગામના વણઝારા વાસ નજીક તાપી નદીના પાળા પર જેસીબી મશીનમાં ઓપરેટર અને મેનેજમેન્ટનું કામ કરતો અજય વણઝારા તેના મિત્રો સાથે રાત્રિના સમયે બેસવા માટે ગયો હતો. આ દરમિયાન તાપી નદીના કિનારે આવેલી ઝાડીમાંથી બાળકના રડવાનો અવાજ સાંભળીને તમામ મિત્રો ચોંકી ગયાં હતાં. જેથી સૌ પ્રથમ પોલીસને જાણ કરી દઈને અજયે ઝાડીમાં ઉતરી બાળક પાસે ગયો હતો. બાળક નવજાત હતું. તાજા જન્મેલા બાળકને કોઈ એક પણ કપડું ઓઢાડ્‌યાં કે પહેરાવ્યાં વગર તરછોડી ગયું હતું. કડકડતી ઠંડીમાં બાળકને કોઈ મરવા માટે ઝાડીમાં છોડી ગયા હોય તેમ લાગતાં અજયે પોતાના શરીર પર રહેલો શર્ટ કાઢીને બાળકને ઓઢાડી દીધો હતો. આ દરમિયાન પોલીસ પણ આવી ગઈ હતી. સાથે જ ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આવી જતાં બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બીજી તરફ બાળકને જન્મ બાદ ત્યજી દેનાર નિષ્ઠુર જનેતા સામે લોકોએ ફિટકાર વરસાવી હતી. સાથે જ પોલીસે બાળકને ત્યજી દેનાર માતા અને પરિવારની શોધખોળ હાથ ધરી છે. પોલીસે અજય વણઝારાની કામગીરીને બિરદાવી હતી. તેનું વજન પણ ૧.૭ કિલોગ્રામ જેટલો છે.