હેગ (નેધરલેન્ડ) તા. ૧૮

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (આઈસીજે)માં ભારતને પાકિસ્તાનની સામે મોટી જીત મળી છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની પાકિસ્તાની લશ્કરી કોર્ટ દ્વારા આપવામાં આવેલી ફાંસીની સજાને અંતિમ ચુકાદા સુધી અટકાવી દેવાનો આદેશ આપ્યો છે. સાથે કોર્ટે જાધવને રાજદ્વારી સહાય પુરી પાડવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે ભારતની તરફેણમાં ચુકાદો આપતાં પાકિસ્તાનને એવી સલાહ આપી કે પાકિસ્તાને જાધવ સુધી ભારતની રાજદ્વારી સહાયની વાત માનવી જોઈએ કારણ કે આ વિએના સંધિમાં વ્યાપમાં આવે છે. આઈસીજે અધ્યક્ષ રોની અબ્રાઈમે ચુકાદો વાંચી સંભળાવ્યો હતો. આઈસીજેએ પોતાના ચુકાદામાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન બન્નેએ વિએના સંધિ પર હસ્તાંક્ષર કર્યાં છે. જાધવ કેસમાં અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી જાધવની ફાંસીની સજા પર રોક લગાવી દેવામાં આવે. ભારતે વિએના સંધિ હેઠળ કોર્ટમાં અપીલ કરી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટે વિએના સંધિ હેઠળ ભારતની માંગણીને વ્યાજબી ઠેરવી હતી. આ સંધિ હેઠળ ભારતને તેના નાગરિક સુધી સહાય પહોંચાડવાનો અધિકાર છે. પાકિસ્તાન ભારતને જાધવ સુધી પહોંચવાનો અધિકાર પ્રદાન કરે. પ્રાથમિક તરીતે જાધવને જાસૂસ તરીકે ઓળખવાની વાતનો નિર્ણય થઈ શકે તેમ નથી. આ કેસમાં અંતિમ ચુકાદા સુધી તેની ફાંસીને અટકાવી દેવામાં આવે. આઈસીજેએ જાધવ કેસની તમામ બાબત સાંભળવાનો અધિકાર છે. જાધવને જાસૂસ કહેવાનો પાકિસ્તાનનો દાવો સાબિત થયો નથી. આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવને રાજદ્વારી સહાય આપવાનો પાકિસ્તાનને આદેશ આપ્યો છે. કોર્ટે એ બાબતનો પણ સ્વીકાર કર્યો કે પાકિસ્તાનમાં જાધવના જીવન પર જોખમ છે. કોર્ટે જાધવને જાસૂસ માનવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે ભારતની અપીલને વ્યાજબી ઠેરવી છે અને પાકિસ્તાનને તત્કાળ ધોરણે જાધવની ફાંસી અટકાવી દેવાનો આદેશ આપ્યો છે. જાધવ માટે રાજદ્વારી પહોંચની માંગણી કરી રહેલા ૧૬ વાર દરખાસ્ત ઠુકરાવવામાં આવતાં ભારતે આઈસીજેના દ્વારા ખખડાવ્યાં હતા. નેધરલેન્ડ સ્થિત હેગમાં સોમવારે આ કેસની સુનાવણી શરૂ થઈ હતી. તેમાં ભારત અને પાકિસ્તાનના વકીલોએ પોતપોતાની વાત રજૂ કરી હતી.  આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા પર સંતોષ જાહેર કરીને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે વાત કરી હતી. સુષમા સ્વરાજે જાધવનો કેસ લડનાર સીનિયર વકીલ હરીશ સાલ્વે અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં હતા.

 

 

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સાલ્વેનો આભાર માન્યો ભારતનો કેસ લડી રહેલા પિયાનો વગાડનાર વકીલને જાણો

આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની પાકિસ્તાની ફાંસી પર રોક મૂકવાના આદેશ બાદ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે જાધવનો કેસ લડનાર સીનિયર વકીલ અને ભારતના નામાંકિત વકીલોમાંના એક હરીશ સાલ્વે અને તેમની ટીમનો આભાર માન્યો હતો. સ્વરાજે ટ્‌વીટ કરીને એવું જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય કોર્ટ સમક્ષ ભારતના કેસને અસરકારક રજૂ કરવા બદલ હરીશ સાલ્વેનો આભાર માનું છું. સોમવારે સ્વરાજે ટ્‌વીટ કરીને એવી માહિતી આપી હતી કે હરિશ સાલ્વે જાધવના કેસ લડવા માટે ટોકન તરીકે એક રૂપિયો લીધો છે. ૬૧ વર્ષીય હરીશ સાલ્વે ભારતના સૌથી મોંઘા વકીલ છે જેઓ એક કેસ લડવાની ફી તરીકે ૧૦ લાખથી ૨૦ લાખનનો ચાર્જ વસૂલે છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સાલ્વેનો આભાર માનતાં કહ્યું પિયાનો વગાડનાર વકીલે ભારતનો કેસ લડી રહ્યાં છે તેની ખબર છે. હરીશ સાલ્વે અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.

 

 

રાષ્ટ્ર હિતની બાબતોમાં આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો પાકિસ્તાનને સ્વીકાર્ય નહીં : વિદેશ મંત્રાલય

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભુષણ જાધવની ફાંસી પર રોકના આદેશ બાદ, પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એવી પ્રતિક્રિયા વ્યક્ત કરી કે રાષ્ટ્ર હિતની બાબતોમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ જકરીયાએ ભારત પર નિશાન સાધતાં એવું જણાવ્યું કે ભારત જાધવનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જઈને તેનો સાચો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતનો અસલી ચહેરો વિશ્વ સમક્ષ ઉઘાડો પાડવામાં આવશે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો બિલકુલ મંજૂર નથી અને આ કેસને આગળ ધપાવવા માટે વધારે મજબૂત પુરાવાઓ રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સ્થિતિ તો સ્પષ્ટ છે કારણ કે આ એક રાષ્ટ્ર હિતની બાબત છે. આઈસીજેમાં પાકિસ્તાનનો જવાબ વિએના સંધિની કલમ ૩૬(૨) અનુસાર જ છે કે પાકિસ્તાન આ કેસમાં આઈસીજેના કાર્યક્ષેત્રને મંજૂર રાખતું નથી.