પુલવામા હુમલા બાદ યુએઇના પ્રયાસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમવાર વાતચીત આગળ વધી છે, બંને દેશોના રાજદૂતોને ફરી એકબીજા દેશમાં મોકલાય અને પંજાબ માર્ગે ફરી વેપાર શરૂ કરવામાં આવી શકે છે : સૂત્રો

૨૫મી ફેબ્રુઆરીએ યુદ્ધવિરામ અંગેની કરેલી જાહેરાત ૨૦૦૩ની સમજૂતીને આગળ વધારવાના રૂપમાં હતી, જોકે કાશ્મીર અને સરહદ સહિતના અનેક મુદ્દાઓ પર ભવિષ્યમાં સંમતિ સધાશે નહીં તેવા અધિકારીઓના મત

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
પાછલા મહિને ભારત અને પાકિસ્તાનની સેનાએ ૨૦૦૩માં થયેલી યુદ્ધવિરામ ઉલ્લંઘનની સમજૂતીને ફરી લાગુ કરીને વિશ્વને ચોંકાવી દીધું હતું. તેના ૨૪ કલાક બાદ જ યુએઇના વિદેશ મંત્રી એક દિવસના પ્રવાસે દિલ્હી પહોંચ્યા હતા. ૨૬મી ફેબ્રુઆરીની બેઠકને લઇને યુએઇના સત્તાવાર નિવેદનમાં સંકેત અપાયા હતા કે, વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયદે ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે શું વાત કરી હતી. તેમાં કહેવાયું હતું કે, બંનેએ તમામ ક્ષેત્રીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરી અને તેમાં બંનેના હિતો સમાયેલા છે. આ અંગે માહિતી રાખનારા અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, વાત દરવાજા પાછળ થઇ છે પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ઉલ્લંઘનનો કરાર મોટી વાત છે અને તેની મધ્યસ્થતા યુએઇએ કરી છે. આ ગુપ્ત વાતચીત મહિનાઓ પહેલાં શરૂ થઇ હતી. અધિકારીએ કહ્યું કે, સંઘર્ષવાળા પરમાણું સંપન્ન પાડોશીઓ વચ્ચે કાયમી શાંતિ માટે સંઘર્ષવિરામ એક મોટા રોડમેપની માત્ર શરૂઆત છે.
અધકારીએ કહ્યું કે, આગામી પગલાંમાં બંને દેશો નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં પોતાના રાજદૂતોને નિયુક્ત કરશે જેને ૨૦૧૯માં પુલવામા હુમલા બાદ હટાવી લેવાયા હતા. ત્યારબાદ વેપાર અને કાશ્મીર અંગે વાતચીત થશે. કાશ્મીરને લઇને બંને દેશો વચ્ચે ૧૯૪૭ બાદથી ત્રણ વખત સીધું યુદ્ધ થઇ ચૂક્યું છે. ભારત અને પાકિસ્તાને ઘણીવાર શાંતિમંત્રણા કરી છે પરંતુ પ્રક્રિયા વધારે દિવસો સુધી ચાલી શકી નથી. ખાસ કરીને બંને દેશોમા આ ચૂંટણી દરમિયાન ભાવનાઓને ભડકાવનારા મુદ્દા બહાર લવાય છે. અધિકારીઓએ કહ્યું કે, એ વાતની આશા ઓછી છે કે, રાજદૂતોને ફરી મોકલવા અને પંજાબના માર્ગે વેપાર શરૂ કરવાથી વધુ કાંઇ મેળવી શકાશે પરંતુ હાલની પ્રક્રિયા પાછલા કેટલાક વર્ષોમાં મજબૂત સ્થિતિમાં આગળ વધી છે. આ એવા સમયે થઇ રહ્યું છે જ્યારે અમેરિકામાં બાઇડેન તંત્ર અફઘાનિસ્તાનમાં વિસ્તૃત શાંતિ મંત્રણા ઇચ્છે છે અને આ એ સ્થાન છે જ્યાં આ બંને દેશો પોતાનો વધુ પ્રભાવ પાડવા માગે છે. ભારત સરકાર સૈન્ય સંસાધનને ચીનની સરહદ પર વધારવા માગે છે જ્યારે પાકિસ્તાની નેતાઓ આર્થિક પડકારનો સામનો કરી રહ્યા છે અને તેઓ અમેરિકા સહિત અને મહાશક્તિઓને પ્રભાવિત કરવા માગે છે. પાકિસ્તાન અને ભારતના વિદેશ મંત્રાલયોએ પણ આ અંગે કાંઇ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. પાછલા મહિને જ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર બાજવાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે, બંને દેશોએ ભૂતકાળને ભૂલીને આગળ વધવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનની સેના વણઉકલ્યા મુદ્દાઓ પર વાત કરવા માટે તૈયાર છે. બાજવાના એક દિવસ પહેલાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ આ ઇચ્છા જાહેર કરી હતી. શનિવારે પીએમ મોદીએ ઇમરાન ખાન કોરોના પોઝિટિવ આવતા ટિ્‌વટ કરીને તેમને વહેલા સાજા થવાની કામના કરી હતી. આને પણ બંને દેશો વચ્ચે સુધરતી સ્થિતિ તરીકે જોવાય છે.
યુએઇના ભારત અને પાકિસ્તાન સાથે ઐતિહાસિક વેપારી તથા રાજદ્વારી સંબંધો રહ્યા છે. યુએઇના શાસક શેખ મોહંમદ બિન ઝાયદ અલ નાહયાનના નેતૃત્વમાં હવે વધુ ખુલ્લી ભૂમિકા નિભાવી રહ્યા છે. પાછલા કેટલાક મહિનાઓમાં એવા ઘણા સંકેત મળ્યા છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતામાં યુએઇ જોડાયેલું છે. નવેમ્બરમાં જયશંકરે બિન ઝાયદ અને ક્રાઉન પ્રિન્સ સાથે અબુધાબીમાં બે દિવસના પ્રવાસમાં મુલાકાત કરી હતી. એક મહિના બાદ જ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી પણ ત્યાં પહોંચ્યા હતા. ૨૫ ફેબ્રુઆરીની ઘોષણાથી આશરે બે અઠવાડિયા પહેલાં યુએઇના વિદેશ મંત્રીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે ફોન પર વાત કરી હતી જેમાં તેમણે ક્ષેત્રીય તથાઆંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરી હતી. તેના કેટલાક દિવસ પહેલાં જ ભારતે ઇમરાન ખાનના વિમાનને ભારતીયએરસ્પેસથી થઇને શ્રીલંકા જવાની પરવાનગી આપી હતી. જ્યારે ૨૦૧૯ બાદ પાકિસ્તાને બે વખત પીએમ મોદીને માર્ગ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. યુદ્ધવિરામની જાહેરાત બાદ યુએઇ એવા કેટલાક દેશોમાં સામેલ હતું જેમણે આ સમજૂતીનું સ્વાગત કર્યું હતું. સાથે જ એ વાત પર ભાર મુક્યો હતો કે, તેના ભારત અને પાકિસ્તાન બંને સાથે ઐતિહાસિક સંબંધો છે.