(એજન્સી) અબુધાબી, તા. ૧
યુએઇની સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દેશ મની લોન્ડ્રીંગ વિરોધી અને આતંકવાદી ભંડોળ વિરોધી કાયદો બનાવવા જઇ રહ્યો હોવાથી દેશમાં હવે હવાલા કારોબારીઓએ પણ ફરજિયાત નોંધણી કરાવવી પડશે. અબુધાબીમાં નેશનલ કમિટી ફોર કોમ્બેટિંગ મની લોન્ડ્રીંગ અને ફાઇનાન્સિંગ ઓફ ટેરરિઝમ એન્જ ઇલ્લીગલ ઓર્ગેનાઇઝેશન્સ (એનએએમએલસીએફટીસી)ની છઠ્ઠી બેઠક બાદ આ જાહેરાત કરાઇ હતી.હવાલા અથવા હુંડી બિનસત્તાવાર અને અનૌપચારિક ચેનલ છે જે મુખ્ય રીતે દક્ષિણ એશિયાના દેશોમાં નાણા પહોંચાડવાની ચેઇન છે અને તેના એજન્ટો ગમે તે દેશમાં રહેતા તેમના સાથીદારોને ગ્રાહકના ઘર સુધી નાણા કે સામાન પહોંચાડવાની વ્યવસ્થા કરી આપે છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે વિશ્વભરમાં ૧૦૦થી ૩૦૦ બિલિયન નાણાનો બિન નોંધાયેલો પ્રવાહ એક દેશમાંથી બીજા દેશમાં જાય છે. યુએઇ આવા એજન્ટો માટે મોટું માર્કેટ છે. આ અનૌપચારિક પદ્ધતિને પદ્ધતિસર કરવાથી મની લોન્ડ્રીંગ અને આતંકવાદી ફંડિગ પર મોટાપાયે રોક લગાવવામાં મદદ મળશે. સેન્ટ્રલ બેંકના ગવર્નર અને કમિટીના ચેરમેન એમ. સઇદ અલઅહમદીની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા પર પણ ભાર મુકાયો હતો.