(એજન્સી) તા.૮
અબુધાબીના અમીરાતના શાસક તરીકેની રુએ અબુધાબીના પ્રમુખ હીઝ હાઇનેસ શેખ ખલીફા બિન જાયદ અલ-નાહિયાને અબુધાબીમાં બિન મુસ્લિમો માટે અંગત બાબતોનું નિયમન કરવા એક નવો કાયદો ઘડ્યો છે. સંયુક્ત આરબ અમીરાતે આ કાયદા દ્વારા પોતાના દેશમાં વસતા બિનમુસ્લિમ લોકોને મોટી ભેટ આપીને તેમને પોતાના રીતિ રિવાજ મુજબ લગ્ન અને છૂટાછેડા વગેરેની મંજૂરી આપી છે. અહેવાલો અનુસાર અબુધાબીમાં વસતા બિન-મુસ્લિમોને હવે આ નવા નાગરિક કાયદા-પર્સનલ સ્ટેટસ લો હેઠળ લગ્ન, છૂટાછેડા અને બાળકોને દત્તક લેવાની મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી આ મુખ્ય અખાતી દેશમાં શરિયત કાનૂન હેઠળ લગ્નની મંજૂરી મળતી હતી. આ સંયુક્ત આરબ અમીરાતમાં એક નવું અને ઐતિહાસિક પગલું છે. અબુધાબીના શેખ ખલીફા બિન જાયદ અલ-નાહીયાન દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલ આદેશમાં જણાવ્યું છે કે આ નવા નાગરિક કાયદામાં લગ્ન, છૂટાછેડા, જીવન નિર્વાહ ભથ્થુુ, સંયુક્ત બાળક કસ્ટડી અને પિતૃત્વનું પ્રમાણ અને વિરાસત જેવી બાબતો સામેલ થાય છે જેમાં બિનમુસ્લિમોને પોતાના રીતિ રિવાજ મુજબ જે તે બાબતની મંજૂરી મળી છે. આ કાયદો આંતરરાષ્ટ્રીય સર્વશ્રેષ્ઠ પ્રથાઓને અનુરુપ બિન-મુસ્લિમ પારિવારીક મામલાનું નિયમન કરનાર પ્રથમ નાગરિક કાયદો ઇસ્યૂ કરીને અમીરાતના નેતૃત્વનું સમર્થન કરે છે. રિપોર્ટ અનુસાર યુએઇએ બિન-મુસ્લિમ પારિવારીક બાબતો માટે ઘડવામાં આવેલ આ નવા નાગરિક કાયદાને દુનિયા સમક્ષ એક નવી પહેલ તરીકે ગણાવી હતી. બિનમુસ્લિમ પારિવારીક કેસના નિકાલ માટે અબુધાબીમાં એક નવી અદાલતની સ્થાપના કરવામાં આવશે જે અંગ્રેજી અને અરબી બંને ભાષામાં કામ કરશે. તે બિન-મુસ્લિમોને એક આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત કાયદાને આધીન થવાના અધિકારની ગેરંટી આપશે. વિદેશીઓ દ્વારા ન્યાયિક પ્રક્રિયાઓને સમજવા અને ન્યાયિક પાદર્શિતામાં સુધારો લાવવા નવી અદાલતની તમામ પ્રક્રિયાઓ અરબી અને અંગ્રેજીમાં દ્વિભાષી રહેશે. આ કાયદામાં નાગરિક વિવાહ, છૂટાછેડા, બાળકોનું સંયુક્ત રક્ષણ અને વિરાસતને લગતા કેટલાય ચેપ્ટર્સમાં વિભાજિત ૨૦ આર્ટિકલ સામેલ છે.