(એજન્સી) અબુધાબી, તા. ૨
અબુ ધાબી ખાતેની એનએમસી હેલ્થને બ્રિટનની કોર્ટની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. કોર્ટ હવે યુએઇની સૌથી મોટી હેલ્થકેર હોસ્પિટલ્સના તમામ મેનેજમેન્ટ અને સંચાલનની દેખરેખ માટે વહીવટી અધિકારીઓ નિમશે. એનએમસી હેલ્થના સંયુક્ત વહીવટીતંત્ર માટે અબુ ધાબી કોમર્શિયલ બેંક દ્વારા અરજી દાખલ કરાયા બાદ બ્રિટનની કોર્ટનો ચુકાદો આવ્યો છે ત્યારબાદ એવું સામે આવ્યું છે કે, હોસ્પિટલ સંચાલન દ્વારા ૬.૬ બિલિયન ડૉલરની લોન લીધી છે અને તેની ચુકવણી કરવા તે સક્ષમ હોવાની અવસ્થામાં નથી. યુએઇની સૌથી મોટી હોસ્પિટલ ચેઇનમાંથી એક એનએમસી હેલ્થના સીઇઓ તથા સ્થાપક ભારતીય અબજોપતિ બીઆર શેટ્ટી મોટી નાણાકીય ગરબડમાં સામેલ હોવાનું જણાયા બાદ ભારત ભાગી ગયા હોવાાની શંકા દર્શાવાઇ રહી છે. યુકે કોર્ટના આદેશ બાદ અબુ ધાબી કોમર્શિયલ બેંક દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, ફેબ્રુઆરી ૨૦૨૦થી કંપની દ્વારા અચાનક અનેક જાહેરાતો કરાયા બાદ જ મોટી નાણાકીય ગરબડનું સાચું ચિત્ર સામે આવ્યું છે જેમાં અગાઉ જાહેર ન કરાયેલા ૪ અબજ ડૉલરના દેવાનો પણ સમાવેશ થાય છે. બીઆર શેટ્ટીની કંપની પર આટલી જલ્દી આટલી મોટી કાર્યવાહી કરવા પાછળના ત્રણ કારણ ગણાવાયા છે તેમાં સૌથી મોટું કારણ પાછલા કેટલાક વર્ષોમાં ભારતમાંથી આવી રહેલા ઇસ્લામોફોબિયાના અહેવાલોને કારણ ગણાવ્યા છે. ખાસ કરીને કોરોના વાયરસ દરમિયાન જે રીતે મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યોે છે અને જે રીતની ટિપ્પણીઓ કરવામાં આવી છે તેનાથી મધ્યપૂર્વના દેશો પર ખાસી અસર પડી છે. ઉલ્લેખનીય છે કે, બીઆર શેટ્ટીના ભાજપ તથા આરએસએસ સાથે સારા સંબંધો હોવાનું મનાય છે. અહેવાલો અનુસાર મધ્યપૂર્વમાં પોતાનું બિઝનેસ શરૂ કરતા પહેલા બીઆર શેટ્ટીએ કર્ણાટકની રાજનીતિમાં હાથ અજમાવ્યો હતો. જે સમયે બીઆર શેટ્ટીએ જનસંઘ તરફથી ઉડુપ્પીમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી હતી ત્યારે અટલબિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી તેમના માટે પ્રચાર કરી રહ્યા હતા. અહેવાલમાં કહેવાયું છે કે, વર્ષ ૨૦૧૬માં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કેરળમાં શેટ્ટી સાથે બંધ બારણેબેઠક કરી હતી જેનો ઇરાદો ગલ્ફ દેશોમાં આરએસએસનો એજન્ડા વધારવાનો હતો.આમાં એનએમસી ગ્રૂપના સીઇઓ પણ સામેલ હતા. બીઆર શેટ્ટીને એક કટ્ટર ભાજપ સમર્થક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓગસ્ટ ૨૦૧૯ દરમિયાન હેલ્થ, ટુરિઝમ અને ફિલ્મ સિટીમાં રોકાણ કરવા માટેની ઇચ્છા શેટ્ટીએ વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં દર્શાવી હતી. બીઆર શેટ્ટી ન્યૂ ઇન્ડિયા અંતર્ગત ભારતમાં પાંચ બિલિયન ડૉલરનું રોકાણ કરવાની ઇચ્છા ધરાવતા હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. દરમિયાન જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવી લેવાયું ત્યારે શેટ્ટીએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ૩,૦૦૦ એકર જમીન ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી. એવું પણ કહેવાય છે કે, જો બીઆર શેટ્ટી ભાગીને ભારત આવી ગયા હોય તો પણ આવનારા સમયમાં તેના પ્રત્યાર્પણનો મોટો અવરોધ ઊભો થઇ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે, બીઆર શેટ્ટી દ્વારા ભાજપ તથા આરએસએસને કાળા નાણા તથા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડિંગ કરી હોઇ શકે છે. જેનાથી ભારત સરકાર કદાચ શેટ્ટીને યુએઇ તથા બ્રિટનને ના સોંપે તો પણ તેના કારણે ત્યાં રહેતા ભારતના નાના મોટા વેપારીઓ પર મોટી અસર પડી શકે છે.
UAEના NMC હેલ્થ કૌભાંડે ભારતીય અબજોપતિ બીઆર શેટ્ટી સાથે RSS, BJP સાથેના સંબંધો ખુલ્લા પાડ્યા

Recent Comments