(એજન્સી) દુબઈ, તા.૪
યુનાઈટેડ આરબ અમીરાતમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસના કેસોમાં જ્યારથી મહામારી શરુ થઇ છે ત્યારથી લઇ આજ સુધીનો અતિશય વધારો નોંધાયો છે. શનિવારે એક જ દિવસમાં ૧૯૬૩ કેસો નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં અખાતના આ દેશમાં કોરોનાના નોંધાયેલ કેસો સમેત હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૨,૧૧,૬૭૪ સુધી પહોંચી ગઈ છે. યુએઈમાં ત્રણ વ્યક્તિઓનાં મોત નિપજ્યું છે એ સાથે કુલ મૃત્યુઆંક ૬૭૪ સુધી પહોંચી ગયું છે. યુએઈમાં નવા વર્ષના દિવસે ૧૮૫૬ નવા કેસો નોંધાયા હતા જ્યારે ૩૦ અને ૩૧મી ડિસેમ્બરે ૧૭૦૦થી વધુ કેસો નોંધાયા હતા. ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલના ૬ સભ્ય દેશોમાંથી સઉદી અરબમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. નવા ૧૩૭ કેસો સાથે કુલ આંક ૩,૬૨,૮૭૮ સુધી પહોંચી ગયો છે. નવેમ્બર મહિનામાં અમેરિકાની ફાર્મા કંપની ફાયઝર અને જર્મન કંપની બયોએનટેકે સાથે મળી કોરોનાની રસી બનાવી હોવાની જાહેરાત કરી હતી. જે ૯૦ ટકા અસરકારક હોવાની ખાત્રી અપાઈ હતી. અમુક દેશોએ રસી માટે આકસ્મિક મંજૂરી પણ આપી દીધી છે. ડિસેમ્બર મહિનામાં યુએઈની ઉચ્ચતમ ફતવા કાઉન્સિલે કોરોનાની રસીમાં પોર્ક જીલેટીન હોવા છતાંય એના ઉપયોગ માટે મંજૂરી આપી હતી. ફતવો એવા સમયે આવ્યો છે જ્યારે અમુક મુસ્લિમો પોર્કનું જીલેટીન હોવાના લીધે રસીનો વિરોધ કરી રહ્યા હતા. મુસ્લિમ ધર્મમાં પોર્કનું ઉપભોગ કરવા મનાઈ ફરમાવવામાં આવી છે.