(એજન્સી) દુબઇ, તા. ૧૭
દશકોથી ચાલી રહેલી દુશ્મનીને ભૂલાવીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંબંધો સામાન્ય કરવા માયે યુએઇ અને બહેરીને ઇઝરાયેલ સાથે ઐતિહાસિક કરાર કર્યા છે. આ કરાર દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ, યુએઇના વિદેશ મંત્રી અબ્દુલ્લાહ બિન ઝાયદ અલ નાહયાન અને બેહરીનના વિદેશ મંત્રી અબ્દુલ્લાહ લતીફ બિન રાશીદ અલ ઝયાનીએ અબ્રાહમ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. સમજૂતીને અબ્રાહમ(અથવા ઇબ્રાહીમ) સંધિ નામ અપાયું છે. આ સમજૂતીથી અમેરિકાને ઇરાન વિરૂદ્ધ અરબ દેશોની સાંકળમાં આ બે મુસ્લિમ દેશોને સાથે લેવામાં સફળતા મળી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઐતિહાસિક કરારને ‘નવા મિડલ ઇસ્ટની શરૂઆત’ ગણાવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આનાથી પશ્ચિમ એશિયામાં નવી વ્યવસ્થાની શરૂઆત થશે સાથે જ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શિખરે પહોંચેલા પ્રચાર વચ્ચે તેમની છબિ શાંતિ લાવનારા એક નાયક તરીકે ઉભરી આવશે.
આ સમજૂતીઓ બાદ યુએઇ અને બેહરીન અરબ દેશો રાષ્ટ્રોના ત્રીજા તથા ચોથા દેશ બની ગયા છે. આ પહેલા ૧૯૭૯માં ઇજિપ્ત અને ૧૯૯૪માં જોર્ડન સાથે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. સમાચાર ચેનલ સાથે વાત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, આશા છે કે, અનેક અન્ય અરબ દેશો સંબંધો સામાન્ય કરવા માટે ઇઝરાયેલ સાથે સમજૂતી કરશે. આ કડીમાં સંભવ છે કે, પેલેસ્ટીન પણ સામેલ થઇ શકે છે અથવા હાશિયા પર ધકેલાઇ શકે છે. એવું મનાય છે કે, આ સમજૂતીઓ દ્વારા ટ્રમ્પ ઇરાન પર દબાણ વધારી શકશે. ૧૩મી ઓગસ્ટે ઇઝરાયેલ અને યુએઇ વચ્ચે સમજૂતીની ઘોષણા કરાઇ હતી જ્યારે ગયા અઠવાડિયે ઇઝરાયેલનો બહેરીન સાથે કરાર થયો હતો. એવું કહેવાય છે કે, આ બંને સમજૂતીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પની મહત્વની ભૂમિકા હતી.