(એજન્સી) તા.૧૭
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ યુનાઈટેડ અરબ અમીરાત યુએઈ અને ઈઝરાયેલ વચ્ચે સંબંધો સામાન્ય બનાવવા અંગે થયેલી સમજૂતીને એક ‘મોટી ભૂલ’ ગણાવી હતી. રાષ્ટ્રપતિ રૂહાનીએ કહ્યું હતું કે, ‘અમીરાતના શાસકોને લાગે છે કે, જો તે અમેરિકા અને ઈઝરાયેલ સાથે સારા સંબંધો રાખશે તો તેઓ વધારે સુરક્ષિત બનશે અને તેમનો આર્થિક વિકાસ થશે. પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે.’ ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ સમજૂતી પેલેસ્ટીન સાથે વિશ્વાસઘાત છે. નોંધનીય છે કે, ગુરૂવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએઈ અને ઈઝરાયેલ વચ્ચે થયેલી આ સમજૂતીની જાહેરાત કરી હતી. આ સમજૂતી પછી યુએઈ ઈઝરાયેલ સાથે પૂર્ણ રાજદ્વારી સંબંધો ધરાવનાર ત્રીજું રાષ્ટ્ર બનશે. રાષ્ટ્રપતિ રૂહાનીએ કહ્યું હતું કે, આ સમજૂતી નવેમ્બરમાં અમેરિકા સાથે યોજાનારી ચૂંટણી સાથે સંબંધ ધરાવે છે. કારણ કે, ટ્રમ્પ કોઈપણ ભોગે આ ચૂંટણી જીતવા માંગે છે. ઈરાનના નેતાએ કહ્યું હતું કે, ‘મને આશા છે કે, અમીરાતીઓને તેમની આ મોટી ભૂલનું ભાન થશે. તેમણે ખોટો માર્ગ પસંદ કર્યો છે અને તે તેમનો નિર્ણય બદલશે તેવી અપેક્ષા રાખું છું.’