(એજન્સી) તા.ર૭
ભારતમાં આવેલા બંદર રત્નાગિરી નજીકમાં સઉદી અરબ, યુએઈ અને ભારતે મેગા ઓઇલ પ્રોજેક્ટ પર સાથે કામ કરવા માટે સંમતિ આપી દીધી છે. જોકે મહત્વની વાત તો એ છે કે રત્નાગિરીના ખેડૂતો અને માછીમારો આ પ્રોજેક્ટનો ધારદાર રીતે વિરોધ કરી રહ્યાં છે છતાં તેમના દેખાવોની અવગણના કરવામાં આવીને આ પ્રોજેક્ટ પર સંમતિ સધાઇ છે. જોકે સઉદી અરબની માલિકીની ઓઇલ કંપની અરમાકો, યુએઈના અબુ ધાબીની નેશનલ ઓઇલ કંપની એડનોક, અને ભારતની ત્રણ ઓઇલ કંપનીઓના સંઘ વચ્ચે રત્નાગિરી ખાતે એક મોટી રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પલેક્ષની સ્થાપના કરવા માટે આશરે ૪૪ બિલિયન ડોલરનો કરાર કરવામાં આવ્યો છે. જોકે સોમવારે આ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. જેના પર વિશ્વની સૌથી મોટી રીફાઇનરીઓમાં સામેલ કંપનીઓએ હસ્તાક્ષર કર્યા હતા. જોકે તમને જણાવી દઇએ કે આ પ્રોજેક્ટ લગભગ ર૦રર સુધીમાં પૂરો કરવાની યોજના બનાવાઈ છે અને તેનાથી લગભગ ૧.ર મિલિયન બેરલ ઓઇલ એક દિવસમાં પ્રોડ્‌યુસ કરવામાં આવશે. જોકે મહત્વપૂર્ણ વાત એ છે કે આ યોજના માટે ૧પ૦૦૦ એકર જમીનની જરુર પડશે અને આ પ્રોજેક્ટની લગભગ રર૦૦૦ જેટલા ખેડૂતો અને ૪પ૦૦ જેટલા માછીમારોની આજીવિકા પર નકારાત્મક અસર કરશે. જોકે આ પ્રોજેક્ટની સ્થાનિક નાગરિકો પર થતી અસરથી વાકેફ હોવા છતાં ભારતની કેન્દ્ર સરકાર જાણે આંધળી બની હોય તેમ દાવો કરી રહી છે કે આ પ્રોજેક્ટની મદદથી દેશના અર્થતંત્રને ઘણો ફાયદો થશે અને રોજગારીનું સર્જન પણ થશે. સઉદી અરમાકો કંપની રિફાઈનરીને પ૦ ટકા ફ્યૂઅલ મોકલશે. જોકે કંપનીની મહત્વાકાંક્ષા પણ એવી નથી કે રિફાઇનિંગ બંધ કરી દે. તે તમામ પાસાઓને નિયંત્રિત કરવા માગે છે અને ચેઈન બનાવવા માગે છે. નોંધનીય છે કે રિયાધના સૌથી મોટા ગ્રાહકોમાં પહેલા ક્રમે અમેરિકા અને તેના બાદ ચીનનો વારો આવે છે. જોકે ત્રીજા ક્રમનો સૌથી મોટો ગ્રાહક તેનો ભારત જ છે. તે હવે ભારતમાં તેની હાજરીને મહત્વપૂર્ણ બનાવવા માગે છે.