(એજન્સી) નવી દિલ્હી, તા.૨
રાજ્યસભાએ શુક્રવારે કોઇ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવા અને આતંકવાદની તપાસના મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ને વધુ સત્તા આપનાર એક મહત્વપૂર્ણ બિલ પસાર કરી દીધું છે. રાજ્યસભામાં UAPA બિલની તરફેણમાં ૧૪૭ અને વિરોધમાં ૪૨ વોટ પડ્યા. બિલને સિલેક્ટ કમિટીની પાસે મોકલવાનો પ્રસ્તાવ પહેલા જ ફગાવી દેવાયો હતો. લોકસભાથી આ બિલને મંજૂરી મળી ગઇ છે હવે કાયદામાં સુધારો કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ બિલમાં સંગઠન ઉપરાંત કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાની જોગવાઈ સામેલ કરવામાં આવી છે. આ બિલની જોગવાઇઓનો દુરૂપયોગ થવાની વિપક્ષની આશંકાઓના પાયાવગરની ગણાવીને સરકારે જણાવ્યું કે બિલની જોગવાઇ તપાસ એજન્સીઓને આતંકવાદથી ચાર ડગલા આગળ રાખવા માટે છે. ગૃહ મંત્રી અમિત શાહે ગેરકાયદેસર ગતિવિધિઓ સંશોધન બિલ (UAPA)૨૦૧૯ પર રાજ્યસભામાં શુક્રવારે જવાબ આપ્યો. શાહે કહ્યું કે બિલનો ઉદ્દેશ્ય આતંકવાદ સામે લડવાનો છે. તેમણે કહ્યું કે આતંકવાદની વિરુદ્ધ એકજૂથતા જરૂરી છે. શાહે ગૃહમાં કહ્યું કે, ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી NIAએ કુલ ૨૭૮ મામલા કાયદા અંતર્ગત રજિસ્ટર કર્યા છે. ૨૦૪ મામલામાં આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા અને ૫૪ મામલામાં અત્યાર સુધી ચુકાદા આવ્યા છે. ૫૪માંથી ૪૮ મામલામાં સજા થઈ છે. સજાનો દર ૯૧% છે. દુનિયાભરની તમામ એજન્સીઓમાં NIAની સજાનો દર સૌથી ઉંચો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર આ કાયદાનો ખોટો ઉપયોગ કરશે, જેની પર શાહે કહ્યું કે, કોંગ્રેસ ઇમરજન્સી યાદ કરી લે. કાયદાનો દુરુપયોગનો ઈતિહાસ કોંગ્રેસનો છે. એક ધર્મને આતંકવાદથી જોડવામાં આવ્યો હતો. શાહે કહ્યું કે જેહાદી પ્રકારના કેસોમાં ૧૦૯ મામલા, ડાબેરલી ઉગ્રવાદના ૨૭, નોર્થ ઈસ્ટમાં અલગ-અલગ હત્યારા ગ્રુપ વિરુદ્ધ ૪૭, ખાલિસ્તાનવાદી ગ્રુપો પર ૧૪ મામલા રજિસ્ટર્ડ કરવામાં આવ્યા.ગૃહ મંત્રીએ કહ્યું કે, જ્યારે અમે કોઈ આતંકી ગતિવિધિઓમાં સામેલ સંસ્થા પર પ્રતિબંધ લગાવીએ છીએ તો તેનાથી જોડાયેલા લોકો બીજી સંસ્થા ખોલી દે છે અને પોતાની વિચારધાર ફેલાવતા રહે છે. જ્યાં સુધી આવા લોકોને આતંકવાદી જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમના કામ પર અને તેમના ઈરાદા પર રોક નહીં લગાવી શકાય. ગૃહમાં શાહે કહ્યું કે, આ બિલથી માનવાધિકારનું હનન નહીં થાય. શાહે પૂછ્યું કે, આ બિલથી વિપક્ષ કેમ ડરી રહ્યો છે.એનઆઈએ તપાસ દરમ્યાન બંધારણીય કાર્યવાહી કરી શકશે. કોઈને આતંકવાદી જાહેર કરવામાં આવશે તો ચાર સ્તરની સ્ક્રૂટિનીનો વિકલ્પ પણ આપવામાં આવશે. આતંકવાદી ઘોષિત થયા બાદ રિવ્યૂ કમિટી પણ તપાસ કરશે. જેના અધ્યક્ષ હાઈકોર્ટના નિવૃત જજ હશે.
રાજ્યસભામાં UAPA સુધારા બિલની વિરૂદ્ધમાં ટીએમસી, ડાબેરી, ડીએમકે સહિત કયા-કયા પક્ષોએ મતદાન કર્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.૨
રાજ્યસભામાં આતંકવાદ સામે યુએપીએ સુધારા બિલ પાસ થઇ ગયું છે. રાજ્યસભામાં યુએપીએ સુધારા બિલની વિરૂદ્ધમાં ટીએમસી, ડાબેરીઓ, ડીએમકે, એમડીએમકે, રાજદ અને અન્ય નાના પક્ષોએ મતદાન કર્યું હતું. બિલનો વિરોધ કરીને કોંગ્રેસના સભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. રાજ્યસભામાં કુલ ૪૨ સભ્યો દ્વારા બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. બિલ પર હાથ ધરવામાં આવેલી ચર્ચા દરમિયાન કોણે શું કહ્યું ?
દિગ્વિજયસિંહ :- બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે જણાવ્યું કે તેમને ભાજપ પર શંકા છે. કોંગ્રેસે ક્યારેય પણ આતંકવાદ સાથે સમાધાન કર્યુ ંનથી, તેથી આ બિલ લાવી હતી પરંતુ તમે તો બે વાર આતંકવાદ સાથે સમાધાન કર્યું છે, પહેલા રબિયા સઇદને છોડાવવામાં અને પછી મસૂદ અઝહરને છોડવામાં આવ્યો.
પી. ચિદમ્બરમ :- રાજ્યસભામાં તેમણે કહ્યું કે બિલમાં સુધાારાને જોઇએ તો તેમાં એનઆઇએને વધુ સત્તા આપવાની વાત કહેવામાં આવી છે. હવે કોઇને પણ આતંકવાદી જાહેર કરી શકાય તેના માટે બિલ પાસ કરવામાં આવી રહ્યું હોવાથી અમે બિલનો વિરોધ કરીએ છીએ.
સીપીએમના ઇલામારમ કરીમ :- તેમણે કહ્યું કે ‘સરકારી આતંકવાદ’ થોપવામાં આવી રહ્યો છે અને અસહમતિ વ્યક્ત કરનારાઓને આતંકવાદી જાહેર કરી શકાય છે. તેનાથી મોટાપાયે ઉત્પીડન અને અન્યાય થશે. એનઆઇએને કોઇ પણ રાજ્યની મંજૂરી મેળવ્યા વગર અને જાણ કર્યા વગર રાજ્યમાં જઇને કોઇ પણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવાનું ખુલ્લું લાઇસન્સ મળી જશે.
રાજદના મનોજ કુમાર ઝા :- રાજદના મનોજકુમાર ઝાએ કહ્યું કે કોઇને પણ આતંકવાદી કહી દેવું બહુ સરળ હોય છે પરંતુ ત્યાર પછી એ વ્યક્તિની જિંદગી અને તેનો પરિવાર કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરે છે, તે જોવું જોઇએ. ઝા એ કહ્યું કેે આતંકવાદના આરોપમાં પકડાયેલી વ્યક્તિ ૧૫-૧૬ વર્ષ બાદ દોષમુક્ત જાહેર થાય છે અને તેને છોડી દેવામાં આવે છે ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તેના ૧૫-૧૬ વર્ષ કેવી રીતે પરત કરવામાં આવે.
અમિતશાહ :- ચર્ચામાં જવાબ આપતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહે જણાવ્યું કે ચિદમ્બરમજીને વાંધો છે કે સંગઠન સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય ત્યારે કોઇ વ્યક્તિ વિશેષને શા માટે આતંકી જાહેર કરવામાં આવે. ખરેખર અમે જ્યારે કોઇ સંગઠન સામે પ્રતિબંધ લાદીએ છીએ ત્યારે તેઓ કોઇ બીજા નામે સંગઠન બનાવી લે છે. આપણે ક્યાં સુધી સંગઠનો સામે પ્રતિબંધ લાદતા રહીશું.