અમદાવાદ,તા.ર૭
સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવાની ગેંગ ફરતી થઈ હોવાની અફવાને પગલે રાજયભરમાં અનેક સ્થળોએ શંકાના આધારે કેટલાક લોકોને માર મારવામાં આવી રહ્યો છે. જો કે આ સમગ્ર ઘટનાઓમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે ત્યારે આ અંગે મનોચિકિત્સકનું માનવું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતા થયેલા ખોટા મેસેજોથી લોકોમાં ડર ઉભો થાય છે અને આ ડર જ શંકામાં પરિવર્તન પામે છે જેના લીધે શંકાના આધારે લોકો નિર્દોષ લોકોને માર મારે છે. બાળકો ઉઠાવી જવાની ગેંગ ગુજરાતમાં સક્રિય થઈ હોવાની અફવાનું બજાર ગરમ છે જેના લીધે રાજયમાં અનેક જગ્યાએ કેટલાક શંકાશીલ લોકોને ટોળાએ મેથીપાક ચખાડયો છે જો કે અમદાવાદમાં તો ભીડે એક મહિલાને શંકાના આધારે એટલી મારી કે તેનું મોત નીપજયું છે ત્યારે આ રીતના બનાવો કેમ બને છે ? તે અંગે અમદાવાદના મનોચિકિત્સક ડોકટર રમાશંકર યાદવે જણાવ્યું હતું કે બાળકો ઉઠાવી જવાની ગેંગ ફરતી થવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. ત્યારે આવા મેસેજને કેટલાક લોકો સમજી વિચાર્યા વિના જ શેર કરતા હોય છે. એટલે કે આવા ખોટા મેસેજોથી માસ ફોળિયા ઉભો થાય છે એટલે કે લોકોમાં ડર પેદા થાય છે. તેમાં પણ શંકાશીલ સ્વભાવના લોકો અને પ્રેમાળ લોકો આવા મેસેજ વાંચીને તેની ખરાઈ કર્યા વિના જ તેને આગળ મોકલતા હોય છે. ત્યારે આવા લોકોને જ કોઈપણ અજાણી વ્યકિત ઉપર શંકા જાય છે અને આ શંકાના આધારે નિર્દોષ લોકોને ટોળું માર મારે છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર ફરતા ખોટા મેસેજોથી ભરમાવા કરતા કોઈપણ શંકાશીલ વ્યકિત લાગે તો તેને પકડીને મારવાને બદલે તેની પૂછપરછ કરીને પોલીસને સોંપવા જોઈએ. તદઉપરાંત કોઈ શંકાશીલ જણાય તો તરત જ પોલીસને બોલાવવી જોઈએ. કોઈપણ હાલતમાં કોઈની સાથે મારઝુડ કરવી જોઈએ નહીં, કેમ કે જો તેની સાથે મારઝુડ કરવાથી જો તેનું મૃત્યુ થાય અને જો તે ખરેખરમાં કોઈ ગેંગનો સભ્ય હોય તો તેની ગેંગ સુધી પહોંચવામાં તકલીફ પડે. એટલે શંકાના આધારે કોઈને માર મારવો યોગ્ય નથી. કેમ કે તેમાં નિર્દોષ લોકોનો મરો થાય છે. એમ મનોચિકિત્સક ડો. રમાશંકર યાદવે જણાવ્યું હતું.