(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૬
નવસારી જિલ્લાના ઉભરાટના દરિયા કિનારે ગત તા.૧૫મી ઓગસ્ટની રજાના દિવસે ન્હાવા પડેલા બે ગૃપના પાંચ યુવાનો ડૂબી ગયા હતા. આજે સવારે પાંચેય યુવકોના મૃતદેહ અલગ-અલગ ઠેકાણેથી મળી આવ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૧૫મી ઓગસ્ટને સ્વાતંત્ર્ય દિવસ તથા જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરમાં વેપાર-ધંધા બંધ રહેતા શહેરીજનો મોજશોખ કરવા જુદા જુદા સ્થળોએ જતા હોય છે. કેટલાક શહેરીજનોએ દેશભક્તિના માહોલ વચ્ચે દિવસ પસાર કર્યો હતો. તો કેટલાકે શહેરની બહાર મોજશોખ માટે જવાના આયોજન કર્યા હતા. શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની ધરમવીર તેરસિંગ રાજપૂત (ઉ.વ. ૧૮) મહેન તેરસિંગ રાજપૂત (ઉ.વ. ૧૭) રાજકુમાર વાસુદેવ રાજપૂત (ઉ.વ. ૨૦) બબલુ રામમિલાડ, સુરબતકુમાર રામવકિલ વિકાસ, કમલસિંગ, ગિરીશ રાજપૂત અને રવિ જાલીમસિંગ નામના આઠ શખ્સો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઉભરાટ ગામે આવેલા દરિયા કિનારે ન્હાવા આવ્યા તો બીજી તરફ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરના વતની અને હાલ કતારગામ જીઆઈડીસીમાં રહેતા સુરજ મીઠાઈલાલ વર્મા (ઉ.વ. ૨૩), નિરજ મીઠાઈલાલ વર્મા (ઉ.વ. ૨૨) સુરત, સભાજીત વર્મા (ઉ.વ. ૧૮) પિન્ટુ વર્મા (ઉ.વ. ૨૪), જયોતિસિંગ રાજકિશોર સિંગ, રાહુલ વર્મા, રાધેશ્યામ વર્મા અનિલ પહેલવાન વર્મા, રમા શંકર વર્મા, પીન્ટુ યાદવ અને પવન વર્મા સહિતના ૧૧ શખ્સો ઉભરાટના દરિયા કિનારાની મઝા માણવા આવ્યા હતા. આ બંને ગૃપના યુવાનો અંદરો અંદર દરિયાની મઝા માણી રહ્યા હતા. આ દરમિયાન જ પહેલા ગૃપના મહેશ તેરસિંગ રાજપૂત અને રાજકુમાર વાસુદેવ રાજપૂત તથા બીજા ગૃપના નિરજ મીઠાઈલાલ વર્મા, સુરત સભાજીત વર્મા અને પિન્ટુ વર્મા મળી પાંચ યુવકો ઉભરાટના દરિયામાં ડૂબી ગયા હતા. આ ઘટનાને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. આ પાંચેય યુવકોને બચાવવા માટે ઉભરાટ સહિતના અન્ય ગામના લોકો દોડતા થઇ ગયા હતા અને પાંચેયને બચાવવાની કવાયત હાથ ધરી હતી. પરંતુ આ પાંચેય યુવકો દરિયામાં ગરક થઇ ગયા હતા. ગામના આગેવાનોએ જલાલપોર પોલીસને જાણ કરતા પીઆઈ એન.એન. ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ગામજનોને સાથે રાખી મોડી સાંજ સુધી મૃતકોના મૃતદેહ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. પરંતુ ગઇકાલે સાંજે મૃતદેહ ન મળ્યા બાદ આજે સવારે ઉભરાટના દરિયા કિનારે આવેલા આજુ-બાજુના ગામોના કિનારા પરથી પાંચેય યુવનોના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે પાંચેય મૃતદેહનો કબજો લઈ જરૂરી કવાયત હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાય જવા પામી હતી.