(એજન્સી) ઉદેપુર, તા.૧પ
શહેરમાં અફરાઝુલની હત્યાના મુખ્ય આરોપી શંભુલાલ રાયગરની તરફેણમાં એક મોટી રેલી યોજવાના થોડા કલાકો પૂર્વે પોલીસે જમણેરી પાંખના એક હિન્દુ કાર્યકરની ધરપકડ કરી હતી અને તકેદારીના પગલાંરૂપે કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધક આદેશો લાદયા હતા.
પોલીસે અજમેર રોડ પર જયપુર સરહદ ખાતે ગુરૂવારે બપોર બાદ ઠાકુર ઉપદેશ રાણાની અટકાયત કરી હતી, એવું બાગરૂન એસએચઓ રાજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું.
મંગળવારે રાણાએ ઉદેપુરમાં ગુરૂવારે એક જંગી રેલીના આયોજન માટે હાકલ કરતો એક વીડિયો ઓનલાઈન પોસ્ટ કર્યો હતો. તેમણે બુધવારે એક બીજો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેઓ શંભુલાલના પરિવારને મળવા જશે અને તેમણે વહીવટીતંત્રની પોતાની ધરપકડ કરવા માટે પડકાર ફેંક્યો હતો.
આ અગાઉ ઉદેપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ બિષ્ણુ ચરાના મલ્લિકે શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના નિવારવા કલમ-૧૪૪ લાદી હતી. સોશિયલ મીડિયાની સાઈટ પર નફરત ભડકાવવા સંદેશાની આપ-લેમાં વધારો થતા ડિવિઝનલ કમિશનર ભવાનીસિંહે ઉદેપુર અને રાજસમંદ બંનેમાં ર૪ કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ કર્યો હતો. રાજસમંદમાં રાયગરે એક મુસ્લિમની બેરહેમીથી હત્યા કરીને તેની લાશને સળગાવી નાખી હતી.
પોલીસ સૂત્રોએ એ વાતને સમર્થન આપ્યું હતું. ઈન્ટરનેટ સેવા, એસએમએસ, વોટ્‌સએપ, ફેસબુક, ટ્‌વીટર અને અન્ય સોશિયલ મીડિયા સેવાએ ર૪ કલાક માટે સ્થગિત કરાઈ છે. નાગરિકોને સચેત રહેવા જણાવ્યું છે.