(એજન્સી) પુણે, તા.૨૫
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુધવારે એક કાર્યક્રમમાં જણાવ્યું કે એનસીપીના વડા શરદ પવારે અમને શીખવાડ્યું કે ઓછા ધારાસભ્યોમાં કેવી રીતે સરકાર બનાવી શકાય છે. મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે કટાક્ષ કરતા ઉદ્ધવે જણાવ્યું કે શરદ પવારે અમને શીખવાડ્યું કે ખેતીમાં કેવી રીતે ઉત્પાદન કે ઉપજ વધારી શકાય છે. ભાજપના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર કટાક્ષ કરતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે તેઓ કહેતા હતા કે ભાજપ સૌથી મોટો પક્ષ છે પરંતુ આપણે ઓછા ધારાસભ્યો હોવા છતાં બહુમતી ધરાવતી સરકાર બનાવી લીધી. પુણેમાં વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યુટમાં યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં બોલતા તેમણે રાજ્યના બધા ખેડૂતોની લોન સંપૂર્ણપણે માફ કરવાની પણ ખાતરી આપી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં બીજા ક્રમે રહેલી શિવસેનાએ તેના લાંબા સમયના સહયોગી ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટી એનસીપી સાથે ગઠબંધન કર્યું હતું અને ત્યાર બાદ સત્તામાં આવી છે