(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બદલ શિવસેના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી કેજરીવાલને શુભેચ્છા પાઠવી હતી. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને મોદી પર પ્રહારો કરતાં કહ્યું કે, લોકોએ મન કી બાતના બદલે જન કી બાતને પસંદ કરી. દિલ્હીએ બતાવ્યું છે કે, હવે જન કી બાત કરનાર દેશમાં રાજ કરશે, મન કી બાત કરનાર નહીં. સ્થાનિક મુદ્દાઓની અવગણના કરી રાષ્ટ્રીય પક્ષ ભાજપે કેજરીવાલને આતંકવાદી બતાવ્યા હતા. દિલ્હીવાસીઓએ કેટલાક લોકોનો માત્ર તેઓ જ રાષ્ટ્રવાદી છે અને વિરોધ કરનાર દેશદ્રોહી છે તેઓ ભ્રમ તોડ્યો છે. સેનાના મંત્રી અનિલ પરબે કહ્યું હતું કે, લોકોએ અહંકારને પરાસ્ત કર્યો. આમ આદમી પાર્ટીએ માત્ર વિકાસના નામે પ્રચાર કર્યો. લોકોએ વિશ્વાસ મૂકયો. જ્યારે ભાજપે મતદારોનું ધ્રુવીકરણ કરવાની કોશિશ કરી જે નિષ્ફળ ગઈ. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર થશે. એનસીપીના નવાબ મલિકે કહ્યું કે, દિલ્હીના લોકોએ વિકાસને પસંદ કર્યો. એનસીપીએ કટાક્ષ કર્યો કે દિલ્હીવાસીઓએ ભાજપને દેશદ્રોહી જાહેર કર્યો.