(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૦
મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયરસેફટીને લઈને ફરી ધોકો પછાડવામાં આવ્યો છે. ખાનગી ઈમારતોને સીલ કર્યા બાદ પાલિકાના ફાયરવિભાગ દ્વારા ઉધના બસ સ્ટેશનના ટર્મિનસને સીલ કરવામાં આવતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત બસ ડેપોના કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. જેથી ફાયરબ્રિગેડ દ્વારા કોમર્શિયલ બિલ્ડિંગની દુકાનોને સીલ કરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ઉધના ત્રણ રસ્તા નજીક જ જૈન કોમ્પલેક્ષને પણ સીલ મારી દેવામાં આવતા વેપારીઓની દોડધામ વધી ગઈ છે.
સુરત શહેરમાં કોમર્શિયલ બિલ્ડિંગ, રેસ્ટોરન્ટ, મોલ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીને લઇને સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચેકિંગ કરવાનો દૌર શરૂ કર્યો છે. છેલ્લાં કેટલાક સમયથી અવાર-નવાર ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ કરવા માટે ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. પરંતુ ફાયર વિભાગની નોટિસ ઘોળીને પી જનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. મંગળવારે ફાયર વિભાગ દ્વારા ઉધના બસ સ્ટેન્ડના ટર્મિનસની કોમર્શિયલ બિલ્ડિંગને સીલ મારવામાં આવી છે. આ કોમ્પલેક્ષમાં ૧૦૦થી વધુ દુકાનો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા ઉધના ત્રણ રસ્તા પાસે જૈન કોમ્પલેક્ષને પણ સીલ કરવામાં આવ્યું છે. જેમાં ૫૦થી વધુ દુકાનો હોવાનું સામે આવ્યું છે. અગાઉ ફાયર વિભાગ દ્વારા નોટિસો પણ પાઠવવામાં આવી હતી. ફાયર સેફ્ટીના સાધનો ન લગાડતા સીલની કામગીરી હાથ ધરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકીય નેતાઓના લાગતા વળગતા બિલ્ડરો અને વેપારીઓને ત્યાં ફાયર દ્વારા સીલ મારવાની કામગીરી કરાતી નથી. આ ઉપરાંત જે કોમર્શિયલ બિલ્ડિંગો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવે છે ત્યાં ગણતરીના કલાકોમાં જ સીલ ખોલી દેવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે.