(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
અમદાવાદ માયા ટોકિઝની બાજુમાં કુબેરનગર સ્થિત કૈલાશરાજ એપાર્ટમેન્ટમાં રહેતા નંદલાલ ઠાકોરદાસ સિંધી ગતરોજ સાંજે જામનગરના ઓખાથી નિકળી તમિલનાડુના વિશ્વ પ્રસિધ્ધ જ્યોતિલિંગ રામેશ્વરમ ખાતે જતી એક્સપ્રેસ ટ્રેનના એસ-૩ કોચમાં બેસી પ્રવાસ કરી રહ્યાં હતા. આ ટ્રેન રાત્રે સવા નવ કલાકે સુરતથી ઉધના તરફ જઇ રહી હતી ત્યારે ચાર અજાણ્યા શખ્સો અચાનક જ એસ-૩ કોચમાં ધસી આવી નંદલાલ સિંધી તથા અન્ય એક મુસાફરના મોબાઇલ ફોન અને રોકડ રકમ અને મહત્વના ડોક્યુમેન્ટ ભરેલા પાકિટની ચોરી કરી હતી. બાદમાં અન્ય મુસાફરો સાથે ધક્કા મુક્કી કરી ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. પરંતુ આ ચારેય શખ્સોએ નીચે ઉતર્યા બાદ ટ્રેન ઉપર પથ્થરમારો શરુ કર્યો હતો. આ ઘટનામાં નંદલાલ સિંધીને માથાના ભાગે પથ્થર વાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. જોકે, આ ટ્રેનમાં પેટ્રોલિંગ કરી રહેલ આરપીએફના ત્રણ જવાન અને જીઆરપીના એક જવાન સહિતની ચાર જણાંની ટીમે એસ-૩ કોચ પાસે દોડી આવી ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. આ અંગે આ ચારેય આરોપીઓને નંદુરબારથી અન્ય ટ્રેન મારફતે સુરત લવાયા હતા. જ્યાં પોલીસે ચારેય આરોપીઓની પુછપરછ સાથે આગળની તપાસ શરૂ કરી છે.