(એજન્સી) મુંબઇ, તા. ૨૮
મહારાષ્ટ્રમાં એક મહિનાની રાજકિય ઉથલપાથલ અને કાનૂની જંગ બાદ ગુરૂવારે સાંજે ૬.૪૦ના વિજય મુહુર્તમાં શિવસેના અને ઠાકરે પરિવારના ૫૯ વર્ષિય ઉદ્ધવ ઠાકરેએ સહયોગી પક્ષો એનસીપીના સુપ્રિમો શરદ પવાર, પ્રફુલ પટેલ, સુપ્રિયા સુલે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની મંચ પર હાજરી અને લાખો કાર્યકરોની સામેના મેદાનમાં ઉપસ્થિતિ વચ્ચે મુંબઇના સુપ્રસિધ્ધ શિવાજી પાર્ક ખાતે ભવ્યાતીભવ્ય અને રંગારંગ સમારોહમાં મુખ્યમંત્રીપદના શપથગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રગીત જનગણમનની ધૂન સાથે સમારંભનો પ્રારંભ થયો હતો. ઉદ્ધવે નારંગી રંગના વસ્ત્રો પરિધાન કર્યા હતા. ભવ્ય શપથ સમારોહમા ંપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી, રાજઠાકરે, એનસીપીના નેતા સુપ્રિયા સુલે, કોંગ્રેસના અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, ડીએમકેના પ્રમુખ એમકે સ્ટાલિન પણ હાજર રહ્યા હતા.
લાખો લોકોની હાજરીમાં ઉદ્ધવને રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ અઘાડી સરકારના નેતા તરીકે મુખ્યમંત્રીના શપથ લીધા હતા. ઉદ્ધવ સાથે જ ત્રણ પાર્ટીઓના છ નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા જેમાં શિવસેનાના કોટાથી એકનાથ શિંદે અને સુભાષ દેસાઇ, એનસીપીમાંથી જયંત પાટિલ અને છગન ભૂજબળ, કોંગ્રેસમાંથી બાળાસાહેબ થોરાટ અને નિતિન રાઉત સામેલ છે.
ઉદ્ધવે મરાઠી ભાષામાં ઇશ્વરના નામે સોગંદ લીધા હતા. આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર ઠાકરે પરિવારના સભ્યો મોજૂદ રહ્યાં હતા. જો કે આમંત્રણ હોવા છતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. સોનિયા ગાંધીએ ઉદ્ધવને પત્ર લખીને જાણ કરી હતી કે તબિયત ખરાબ હોવાને કારણે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં . આ પત્રમાં સોનિયાએ દેશને ભાજપથી ખતરો હોવાનો મોટો આરોપ મૂકીને કહ્યું હતું કે દેશમાં કોમી ઝેર ફેલાવવાનું કામ ભાજપ કરી રહ્યું છે અને એવા પરિબળોથી સાવધ રહેવું પડશે. રાહુલ ગાંધીએ પણ પત્ર પાઠવીને સેક્યુલર સરકાર બનાવવા બદલ નવા મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યાં હતા. સરકારમાં મુખ્યમંત્રી ફક્ત ઉદ્ધવ ઠાકરે હશે અને ડેપ્યુટી સીએમ એક જ હશે અને તે પણ એનસીપીમાંથી હશે. જોકે, ડેપ્યુટી સીએમ અને સ્પીકરનું નામ નક્કી કરાયું ન હતું. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી.. અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામેલ થઇ ન થઇ શક્યા. પરંતુ તેમણે પત્ર દ્વારા ઉદ્ધવ ઠાકરેને અભિનંદન પાઠવ્યા હતા. શિવસેના તરફથી આ બંને નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતુ.
સાંજે મુંબઇના શિવાજી પાર્કમાં આયોજીત શપથવિધિ સમારોહમાં ઉજવણીમાં ભાગ લેવા ૪૦૦ ખેડૂત પરિવારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉદ્ધવના શપથ ગ્રહણ સમારોહમાં ૨ હજાર પોલીસ શિવાજી પાર્કની સુરક્ષા માટે તૈનાત કરાયા હતા. એનસીપીમાં બળવો કરીને ભાજપની સાથે રાતોરાત સરકાર બનાવીને નાયબ મુખ્યમંત્રી બનીને ૭૮ કલાકમાં જ રાજીનામુ આપીને પત્રમાં પરત ફરેલા અજીત પવારે પણ શપથવિધિમાં હાજરી આપી હતી.