(એજન્સી) મુંબઈ, તા.૪
મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનની એન્ટ્રીને લઈને શિવસેના અને એમ.એન.એસ. બાદ હવે એનસીપીએ પણ મોદી સરકારને ઘેરી છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પ્રશ્ન ઉઠાવ્યા છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા પવારે કહ્યું છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અવ્યવહારિક છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્રની તુલનામાં ગુજરાતને આ પ્રોજેક્ટનો વધુ લાભ મળશે. મહારાષ્ટ્રને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ માત્ર ૪ સ્ટેશનો મળી રહ્યા છે, જ્યારે મોટાભાગના સ્ટેશનો ગુજરાતની સરહદમાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર પણ ગુજરાતને સમકક્ષ જ નાણાકીય મદદ પૂરી પાડી રહ્યું છે, માત્ર મહારાષ્ટ્રના ફાયદા પર જ નહીં, શરદ પવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂટ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે બુલેટ ટ્રેન દ્વારા મહારાષ્ટ્ર સાથે ગુજરાતને જોડવાના નિર્ણયની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું કે, મારા મત અનુસાર બુલેટ ટ્રેનની જરૂરિયાત મુંબઈ-દિલ્હી, દિલ્હી-કલકત્તા અને મુંબઈ-ચેન્નઈની વચ્ચે હતી. મુંબઈ-અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવી અવ્યવહારિક છે.
સપ્ટેમ્બરના અંતમાં મુંબઈના એલફિંસ્ટન સ્ટેશનની નજીક ઓવર બ્રિજ પર સર્જાયેલી દુર્ઘટના બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ બુલેટ ટ્રેનને લઈને સખત ટીકા કરી હતી અને કહ્યું હતું કે, જ્યાં સુધી મુંબઈ રેલવેના પ્રાથમિક માળખામાં સુધારો નહીં થાય, ત્યાં સુધી મુંબઈમાં બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થવા દઈશું નહીં.