(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
શહેરના યાકુતપુરા અને તાંદલજા વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ પીવાના દુષિત પાણીને પગલે લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. દુર્ગંધયુકત ઉભરાતા ગટરનાં પાણીને પગલે મસ્જીદોમાં નમાઝ પઢવા જનાર લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્રને અવારનવાર રજુઆતો કરવા છતાં સમસ્યાનો કોઇ નિવારણ લાવવામાં આવ્યું નથી.જેને પગલે નારાજ સ્થાનિક રહીશોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પ્રાપ્ત થતી વિગત અનુસાર, યાકુતપુરા વિસ્તારમાં નાની છીપવાડ પાસે પાણીની નળીકામાં ફોલ્ટ થયું હોવાથી મિનારા મસ્જીદ, તાજ સોડા ફેકટરી સહિતનાં વિસ્તારોમાં પીવાનું ગંદુ પાણી આવે છે. તેમજ ગટરોનું દુર્ગંધ મારતું ગંદુ પાણી રોડ પર ફેલાઇ છે. જેને પગલે રોગચાળો ફાટી નિકળે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ વિસ્તારમાં મિનારા મસ્જીદ સહિતની ત્રણ જેટલી મસ્જીદો આવેલી છે. જેમાં નમાઝ પઢવા જનાર નમાઝીઓને તેમજ સ્થાનિકોને આવવા જવામાં ભારે તકલીફ પડી રહી છે. તાંદલજા વિસ્તારનાં ઝમઝમ પાર્ક સોસાયટી સહિતનાં વિસ્તારમાં પણ ગટર લાઇન ચોકઅપ થવાને કારણે ગટરનાં ગંદા પાણી રોડ પર ઉભરાઇ રહ્યાં છે. આ વિસ્તારમાં પણ મસ્જીદમાં જનાર નમાઝીઓને ગંદા પાણીમાં રહીને નમાઝ પઢવા જવું પડે છે. જેથી લોકોમાં સેવાસદનનાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે અવારનવાર સેવાસદનનાં તંત્રને રજુઆત કરવા છતાં કોઇ સમસ્યાનો કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેથી સ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
ઊભરાતી ગટરો-દુષિત પાણીના લીધે લોકો પરેશાન : ઉગ્ર આંદોલનની ચીમકી

Recent Comments