(એજન્સી) તા.૨૫
હિંદુ કટ્ટરવાદીઓ દ્વારા તાજેતરમાં ભારતમાં સ્વામી અગ્નિવેશ પર થયેલા હુમલાનો વિરોધ કરવા કેનેડામાં દ.એશિયાઇ કર્મશીલો સંગઠિત થયા હતા. સરેમાં હોલાન્ડ પાર્ક ખાતે તેમણે વિરોધ દેખાવો કર્યા હતા.
સ્વામી અગ્નિવેશ એક જાણીતા હિંદુ સુધારાવાદી અને સામાજિક ન્યાય કર્મશીલ છે. તેઓ હંમેશા શાસક હિંદુ રાષ્ટ્રવાદી ભાજપની સાંપ્રદાયિક રાજનીતિ વિરુદ્ધ વાચાળ રહ્યા છે. તેઓ ભાજપ સરકાર હેઠળ સમાજના ઉપેક્ષિત વર્ગો અને લઘુમતીઓના અંધ વિશ્વાસ અને દમનના હંમેશા પ્રખર આલોચક રહ્યા છે.
ઇન્ડિયન એબ્રોડ ફોર પ્લુરાલિસ્ટ ઇન્ડિયા (આઇએપીઆઇ) દ્વારા આયોજિત આ રેલીમાં વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોએ હાજરી આપી હતી. વક્તાઓએ અગ્નિવેશ પરના હુમલાને એકીઅવાજે વખોડી કાઢ્યો હતો અને ભાજપના સમર્થકો દ્વારા જેમને વારંવાર નિશાન બનાવવામાં આવે છે એવા બિનસાંપ્રદાયિકો સાથે પોતાની એકતા વ્યક્ત કરી હતી. જેઓ સ્વયં હિંદુ ઉપદેશક છે એવા અગ્નિવેશના સાથે આચાર્ય એસ પી દ્વિવેદી પણ એક વક્તા હતા. તેમણે નોંધ્યું હતું કે સ્વામી અગ્નિવેશ પરના હુમલા પાછળનો મકસદ તાર્કિક અવાજને દબાવી દેવાનો છે.
આ કાર્યક્રમની શરુઆત ગઇ સાલ શકમંદ હિંદુ કટ્ટરવાદીઓ દ્વારા જેમની હત્યા થઇ હોવાનું માનવામાં આવે છે એવા પ્રગતિશીલ પત્રકાર ગૌરી લંકેશને સમર્પિત કવિતાથી થઇ હતી. કવિ અમૃત દીવાનાએ જણાવ્યું છે કે અગ્નિવેશ પરના હુમલાને એક અલગ ઘટના તરીકે જોઇ શકાય નહીં કારણ કે તેમાં લંકેશ અને અન્ય બુદ્ધિજીવી વિચારકોની હત્યામાં સંકળાયેલા બળો સંડોવાયેલ છે. આઇએપીઆઇના સહસંસ્થાપક ગુરપ્રીતસિંહે સ્પષ્ટતા કરી હતી કે આઇએપીઆઇનો આદેશ માત્ર ભાજપનો વિરોધ કરવા પૂરતો સિમિત નથી પરંતુ તે વિરોધ પક્ષ કોંગ્રેસની પણ ટીકા કરે છે કે જેણે સેક્યુલરીઝમના અંચળા હેઠળ બહુમતવાદીની રાજનીતિ રમી છે. તેમ છતાં આયોજકોએ ભાજપ સરકાર દ્વારા ભારતનું હિંદુ રાષ્ટ્રમાં પરિવર્તનના પ્રયાસો સામે તાકિદ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરના કાર્યાલય પરના હુમલાને વખોડી કાઢ્યો હતો. આ પ્રસંગે મુસ્લિમ કર્મશીલો સૈયદ વજાહત અને ઇમ્તિયાઝ પોપટ, દલિત કર્મશીલો રુપલાલ ગડુ અને રાજપાલસિંહ ભારદ્વાજ, રેશનાલિસ્ટ કર્મશીલો હરજીત દૌધારીયા, અવતાર ગિલ, પરમિન્દર કૌર અને ભૂપિન્દર માહી તેમજ જાણીતા શીખ બ્રોડકાસ્ટર હરપ્રીતસિંહ વગેરેએ રેલીને સંબોધન કર્યા હતા.