(એજન્સી) તા.ર૮
ગુરૂવારે સવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાન જિલ્લામાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં ૩ અજાણ્યા ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. સેનાએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે ગુરૂવારે સવારે શોપિયાન જિલ્લામાં આવેલા યરવાન જંગલમાં ઉગ્રવાદીઓ સાથે થયેલા સામસામા ગોળીબારમાં ત્રણ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. આ ટ્‌વીટમાં કહેવામાં આવ્યું હતું કે શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે અને હજી ઓપરેશન ચાલુ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાત્રે રઃ૩૦ વાગ્યાની આસપાસ ર૩ પેરાના જવાનોએ યરવાન અને કેલ્લરના જંગલોને ઘેરી સર્ચ ઓપરેશન કરતાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. જ્યારે ઓપરેશન ચાલુ હતું ત્યારે જંગલમાં સંતાયેલા ઉગ્રવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ પણ વળતો ગોળીબાર કર્યો હતો. બીજી તરફ બુધવારે હંદવાડામાં થયેલા એન્કાઉન્ટરમાં પણ બે ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. આમ છેલ્લા ર૪ કલાકમાં કુલ પાંચ ઉગ્રવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા.