(એજન્સી) તા.૧
UIDAIએ તેમના પૂર્વ મહાનિર્દેશક અને વર્તમાનમાં ટ્રાઇના ચેરમેન આરએસ શર્માની જેમ સોશિયલ મીડિયા વેબસાઇટ પર પોતાના આધાર નંબર શેર ન કરવાની લોકોને સલાહ આપી છે. આધારનંબર ઇશ્યૂ કરતી સંસ્થાએ લોકોને પોતાના ૧ર આંકડાના ઓળખ નંબરની સંખ્યા સોશિયલ મીડિયા પર નાખીને બીજા લોકોને પડકારવા મામલે ચેતવણી જાહેર કરતાં કહ્યું હતું કે આ કાયદા વિરુદ્ધ છે અને તેના પરિણામો ભોગવવા પડશે. તમને જણાવી દઇએ કે ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ(ટ્રાઇ)ના ચેરમેન આરએસ શર્માએ શનિવારે પોતાનો આધાર નંબર ટિ્‌વટર પર પોસ્ટ કરતાં પોતાની વિગતો કાઢીને તેમને નુકસાન પહોંચાડવાનો પડકાર સૌને આપ્યો હતો. આમ કરવા પાછળ તેમનો ઉદ્દેશ્ય લોકોમાં આધાર ડેટાની ચોરીથી તેમની પ્રાઇવસીના ભંગ થવાની શંકાને દૂર કરવાનો હતો. શર્માના આધાર નંબરની મદદથી તેમની વિગત એકઠી કરવાનો દાવો પણ કેટલાક લોકોએ કર્યો હતો પણ શર્માએ આ દાવા નકારી દીધા હતા. તેના બાદ UIDAIએ પણ રવિવારે શર્માનો ડેટા આધાર સર્વર પરથી પ્રાપ્ત ન કર્યાનો દાવો કર્યો હતો. UIDAIએ મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં અન્ય લોકોને પણ આમ ન કરવાની સલાહ આપી હતી. UIDAIએ કહ્યું કે ૧ર આંકડાનો આધાર નંબર પણ પાનકાર્ડ કે બેન્ક એકાઉન્ટની જેમ એક ગુપ્ત દસ્તાવેજ છે જેને જરુર પડતાં જ ઉપયોગમાં લેવો કે પોતાની ઓળખ જાહેર કરવી. આમ ન કરવા પર આધાર એક્ટ તથા અન્ય આઇટી નિયમો હેઠળ જેલની સજા થઈ શકે છે. તે ઉપરાંત બીજાના આધારની મદદથી પોતાનું પ્રામાણિકરણ કરાવવા ઉપર પણ ગુનાહિત કામ હેઠળ જેલની સજા થઈ શકે છે.